ગુજરાત ગેસે CNG ના ભાવમાં પ્રતિ કિલો રુ.2 નો વધારો કર્યો, નવો ભાવ રુ.85.01 થયો
સુરત, 20 જુલાઈ 2026: સુરતની જનતા માટે મોંઘવારીના મોરચેથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલીયમ પેદાશોના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રાહત મેળવવા માટે સીએનજી વાહનો તરફ વળેલા મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને હવે ગેસના ભાવવધારાનો સામનો કરવો પડશે. રાજ્યની અગ્રણી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ દ્વારા સુરત શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૨ નો સીધો વધારો કરી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજથી જ અમલી બની ગયો છે.
ભાવવધારા બાદ સુરતમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો રુ. 83.01 થી વધીને હવે રુ. 85.01 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોના ફેરફારનું બહાનું ધરીને ગેસ વિતરણ કંપનીઓ દ્વારા સમયાંતરે પીએનજી અને સીએનજીના ભાવમાં રાતોરાત વધારો ઝીંકી દેવામાં આવે છે, જેની સીધી આડઅસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે.
સુરતમાં રોજના લાખો મુસાફરો મુસાફરી માટે ઓટો રિક્ષા પર નિર્ભર છે. ગેસના ભાવમાં પ્રતિ કિલો રુ. 2 નો વધારો થતાં રિક્ષા ચાલકોના દૈનિક પ્રોફિટ માર્જિન પર મોટો ફટકો પડ્યો છે. રિક્ષા ચાલક યુનિયનના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગેસ મોંઘો થવાને કારણે અમારે મજબૂરીમાં રિક્ષા ભાડામાં વધારો કરવો પડશે.
બીજી તરફ, બાળકોને સ્કૂલે પહોંચાડતી સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની પ પૂરી શક્યતા છે, જેના કારણે શૈક્ષણિક સત્ર દરમિયાન વાલીઓ પર ટ્રાન્સપોર્ટેશનનો વધારાનો આર્થિક બોજ પડશે. આ ઉપરાંત, ઓફિસે જવા માટે સીએનજી કાર કે ટૂ-વ્હીલર વાપરતા સામાન્ય નોકરિયાત વર્ગનું માસિક બજેટ પણ આ નિર્ણયથી ખોરવાઈ ગયું છે.


