1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ: 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ: 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ: 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

0
Social Share

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ઘાતક ગણાતા ‘ચાંદીપુરા વાયરસ’નો પોઝિટિવ કેસ સામે આવતાં જ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા ચાર વર્ષના માસૂમ બાળકના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ડોર-ટુ-ડોર સર્વેલન્સ, કૉમ્બિંગ અને દવાના છંટકાવ સહિતના નિવારક પગલાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં નોંધાયેલો ચાંદીપુરા વાયરસનો કેસ ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા અને મૂળ દાહોદના ચાર વર્ષના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ એએમસીના હેલ્થ વિભાગે ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં સેન્ડફ્લાય (સૂક્ષ્મ માખી)ના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો સ્પ્રે અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરી છે.

  • રાજ્યમાં 12 પોઝિટિવ કેસ અને 8 ના મોત: આરોગ્ય મંત્રી

ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. ચેપ ફેલાવતી સેન્ડફ્લાય માખીને નષ્ટ કરવા સતત જંતુનાશક દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી ૧૨ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે અને દુઃખદ રીતે ૮ દર્દીઓના મોત નીપજ્યા છે. હજુ પણ ૮ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે, જ્યારે સારવાર હેઠળ રહેલા બે બાળકો સજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”

  • ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે અને તેના લક્ષણો શું છે?

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (Sandfly) નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને ગ્રામ્ય કે અર્ધ-શહેરી વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત વાતાવરણમાં ફુલેફાલે છે.

  • મુખ્ય લક્ષણો: બાળકને અચાનક તીવ્ર તાવ આવવો, સતત ઝાડા-ઉલટી થવી અને શરીરમાં ખેંચ (આંચકી) આવવી.
  • ગંભીરતા: સ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન થઈ શકે છે. લક્ષણો દેખાયાના ૨૪ થી ૪૮ કલાકમાં યોગ્ય તબીબી સારવાર ન મળે તો બાળકનું મોત થઈ શકે છે.

બચાવ માટે શું કરવું અને શું ન કરવું?

  • શું કરવું: ઘરોની દીવાલોની તિરાડો પૂરી દેવી, ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ આવવા દેવો, ૧૫ વર્ષ સુધીના બાળકોને રાત્રે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવવા અને લક્ષણો દેખાય કે તુરંત જ મેડિકલ કોલેજ કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.
  • શું ન કરવું: બાળકોને ખુલ્લા શરીરે ધૂળ કે માટીમાં રમવા ન દેવા, ઘરની આસપાસ કચરો કે ભેજ થવા ન દેવો અને લક્ષણો જણાય ત્યારે દેશી કે ઘરગથ્થુ ઉપચારમાં સમય બિલકુલ ન બગાડવો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code