Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સોલામાં AMCના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઝેરી ગેસથી બેના મોત

અમદાવાદના સોલામાં AMCના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઝેરી ગેસથી બેના મોત

અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 : Two die due to toxic gas at AMC’s sewage treatment plant શહેરના સોલા વિસ્તારમાં આવેલા એએમસી સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં ઝેરી ગેસની ગૂંગળામણથી  બેના મોત નિપજ્યા હતા. જ્યારે બેને ઝેરી અસરને લીધે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એસટીપી પ્લાન્ટમાં એચએનબી (HNB) એજન્સી દ્વારા રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ઝેરી ગેસ ગળતર થતાં વેલ્ડિંગ કરી રહેલો યુવક બેભાન થઈને ઊંડા ટાંકામાં પડ્યો હતો. આથી યુવકને બચાવવા માટે સાઇટ ઇન્ચાર્જ, પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર પણ એક પછી એક ટાંકામાં ઉતર્યા હતા, પરંતુ ઝેરી વાયુની તીવ્ર અસરના કારણે ચારેય લોકો ટાંકામાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV) સહિતનો કાફલો તાત્કાલિક સોલા STP પ્લાન્ટ ખાતે દોડી ગયો હતો. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને દોરડાં અને ખાસ રેસ્ક્યૂ સાધનોની મદદથી તાકીદે ટાંકામાં ઉતરી ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જે પૈકી બે વ્યક્તિઓ આંશિક ભાનમાં હતા, જ્યારે બાકીના બે વ્યક્તિઓ સંપૂર્ણપણે બેહોશ અને ગંભીર સ્થિતિમાં હતા. ફાયર સ્ટાફે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

સોલા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કમનસીબ અકસ્માતમાં વેલ્ડિંગનું કામ કરનાર અભિષેક અને તેને બચાવવા માટે ટાંકામાં ઉતરેલા અન્ય એક સાથીદારનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કોઈ પણ પ્રકારના સેફ્ટી ગિયર્સ કે ગેસ માસ્ક વિના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને એજન્સી કે કોન્ટ્રાક્ટરની સુરક્ષા નિયમોમાં બેદરકારી જણાશે તો કાયદેસરની ફોજદારી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular