અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 : Hit and run in Narol શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનનો બનાવ નારોલમાં અપોલો સ્કૂલ પાસેના ચાર રસ્તા પર બન્યો હતો. પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. 108ને આવતા વાર લાગતા યુવકને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાની નોબત આવી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના શાહવાડી નારોલ ખાતે પંચશીલા રેસિડેન્સીમાં રહેતા 24 વર્ષીય જયેશકુમાર મકવાણા સી.જી. રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત 21 ઓક્ટોબરે સાંજે પોતાની બાઇક લઈને નારોલ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા આઈશર ટ્રકના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં જયેશકુમારને માથામાં, કપાળના ભાગે તથા ડાબા હાથે ગંભીર અને જીવલેણ ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને આઈશર ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. જે બાદ108ને કોલ કરતાં તેને વાર લાગતા રિક્ષામાં નારોલ સર્કલ સુધી અને ત્યાંથી108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


