1. Home
  2. ગુજરાતી
  3. સુરતઃ મનપા કચરો ઉઠાવવા માટે હવે ટ્રેક્ટર પ્રથા બંધ કરીને ઈ-ટેમ્પો વસાવશે

સુરતઃ મનપા કચરો ઉઠાવવા માટે હવે ટ્રેક્ટર પ્રથા બંધ કરીને ઈ-ટેમ્પો વસાવશે

0
Social Share

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે. ભારતમાં પ્રદુષણમાં ઘટાડાની સાથે ઈંધણનો વપરાશ ધટે તે માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાત સરકારે નવી વાહન પોલીસી જાહેર કરી છે. દરમિયાન સુરત મનપા પર્યાવરણના રક્ષણ માટે કચરો ઉપાડવા માટે ઈ-ટેમ્પો ખરીદવાની તૈયારીઓ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા 30 ઇ ટેમ્પો ખરીદવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અંદાજે ચાર લાખ રૂપિયાના એક એવા 30 ટેમ્પો ખરીદવા માટે 1.20 કરોડના ખર્ચ કરવામાં આવશે. 500 કિલોની ક્ષમતા ધરાવતા 30 ટેમ્પો કાર્યરત થતા હાલ ચાલી રહેલા કચરાના ટ્રેક્ટરો બંધ કરવામાં આવશે. હાલ બે એજન્સીઓના 21 ટ્રેક્ટરો કાર્યરત છે. હાલ આ એક ટ્રેક્ટરનો મેટ્રિક ટન ખર્ચ 1400 થી 1500 રૂપિયાની આસપાસ થાય છે. જ્યારે ઇ ટેમ્પો મનપા દ્વારા ખરીદી મજૂરો, ગાર્બેજ લીફટિંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. મહાનગરપાલિકાને પ્રતિ મેટ્રિક ટન 700 રૂપિયાની બચત થવાનો અંદાજ છે. 17 માં નાણાપંચ હેઠળ એનસીઇપી કાર્યક્રમ અંતર્ગત મનપાની આ રકમ ગ્રાન્ટ રૂપે મળી શકશે. સુરતમાં ઈ-ટેમ્પોમાંથી ગાર્બેજ લીફટિંગ ની સિસ્ટમ શરૂ કર્યા બાદ સમગ્ર શહેરમાંથી ટ્રેક્ટર પ્રથા બંધ કરવાનું આયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ સેવામાં ઈ-બસો દોડાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ મનપા દ્વારા વધારે ઈ-વાહનો વસાવવામાં આવે તેવી શકયતા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code