
સુરતઃ મનપાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદે પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ
અમદાવાદઃ સુરતમાં પ્રજાહિતલક્ષી પ્રશ્નોને મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણકર્તાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો.
મજુરા વિધાનસભા ક્ષેત્રના પ્રજાહિતલક્ષી પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા આશયથી સુરત સર્કિંટ હાઉસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મજુરા વિધાનસભામાં સ્થાનિક પ્રશ્નો બાબતે મળેલી રજુઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી પ્રશ્નો, સમસ્યાઓનું ઝડપી નિરકારણ આવે તે જરૂરી છે. મ્યુ. કોર્પોરેશન અને પોલીસ વિભાગને લગતા પ્રશ્નો માટે એકસશન પ્લાન તૈયાર કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. મંત્રી સંધવીએ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદેસર પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.
વધુમાં મંત્રીએ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે મળી હકારાત્મક દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બેઠકમાં ચેઈનસ્નેચિંગની ફરિયાદો, સ્વચ્છતા, સાયબર ક્રાઈમ સહિતના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.