1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત હવે હીરા ટ્રેડિંગનું હવે વિશ્વ હબ બનશે, PM મોદી રવિવારે ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ કરશે
સુરત હવે હીરા ટ્રેડિંગનું હવે વિશ્વ હબ બનશે, PM મોદી રવિવારે ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ કરશે

સુરત હવે હીરા ટ્રેડિંગનું હવે વિશ્વ હબ બનશે, PM મોદી રવિવારે ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ કરશે

0
Social Share

સુરતઃ રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. 35.54 એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે તા.17મી ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.

સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. 175 દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ  ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ 4,200  વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.  અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું,  જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં 67 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code