સુરતઃ પેટ્રોલ પંપ ઉપર રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાનનું સરપ્રાઈઝ ચેકીંગ
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે કેટલાક પંપ સંચાલકો વાહનોમાં ઓછુ પેટ્રોલ પુરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાન મુકેશ પટેલે સુરતના એક પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઈંધણ ઓછુ આપવામાં આવતું હોવાનું સામે આવતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના જહાંગીર પુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ઓછુ આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી પેટ્રો કેમિકલ્સ પ્રધાન મુકેશ પેટેલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. મુકેશ પટેલ કાર લઈને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ પુરાવવા ગયા હતા. સરપ્રાઈઝ ચેકીંગમાં ડીઝલ ઓછુ પુરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેથી પુરવઠા વિભાગે પેટ્રોલપંપને સીલ કર્યું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાને પગલે લોકોનો આર્થિક બોજ વધી રહ્યો છે. વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેટલાક પેટ્રોલપંપ ઉપર વાહનોમાં ઓછુ ઈઁધણ પુરીને ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન પેટ્રો કેમિકલ્સ પ્રધાનની કામગીરીથી પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.