
તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !
બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેટરની ચૂંટણી માટે અંબુરના વોર્ડ નંબર 36ના અપક્ષ ઉમેદવાર મણિમેગાલાઈ દુરઈપંડીએ ઝંપલાવ્યું હતું. દુરઈપંડીએ 19મી ફેબ્રુઆરીના રોજ નારિયળના વૃક્ષના ચિન્હ ઉપર વોટ નાખવા માટે મતદારોને અપીલ પણ કરી હતી. કથિત રીતે તેણે રાતના સમયે મતદારોને ગ્રીફ્ટ પણ આવી હતી. મતદારોના જણાવ્યા અનુસાર મનીમેગાલાઈ દુરઈપંડીએ કથિત રીતે દરેક પરિવારને એક નાના બોક્સની અંદર સોનાનો સિક્કો આપ્યો હતો. એટલું જ નહીં મતદારોને 3 દિવસ સુધી તેનો ઉપયોગ નહીં કરવા માટે અપીલ કરીને ચૂંટણીપંચના નામે ડરાવ્યાં હતા. ઉમેદવારે કહ્યું હતું કે, આની જાણ ચૂંટણી પંચને થશે તો સિક્કો જપ્ત કરી લેશે. જો કે, કેટલાક મતદારોએ આ કથિત સોનાના સિક્કાને ગીરવે મુકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમને જાણ થઈ હતી કે, ગ્રીફ્ટમાં આપવામાં આવેલો સિક્કો સોનાનો નથી. સોનાનું પાણી ચડાવેલો તાંબાના સિક્કો હોવાનું સામે આવ્યું હતું.
ગ્રીફ્ટ લેનાર એક મહિલાએ કહ્યું હતું કે, મણિમગલાઈએ જણાવ્યું હતું કે, તેણે રૂ. 20 લાખમાં ઘર ગીરવે મુકીને સોનાના સિક્કા ખરીદ્યાં હતા. તેમજ મતદારોને આ સિક્કા આપીને પોતાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. જેથી વિસ્તારના લોકોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે, સિક્કો લઈને મતદાન કરવાના નિર્ણયથી પછતાવો થાય છે. સમગ્ર ઘટના અંગે સત્તાવાર કોઈ ફરિયાદ નહીં નોંધાઈ હોવાનું જાણવા મળે છે.