મુંબઈ, 26 સપ્ટેમ્બર 2026: એશિયા કપ ટ્રોફીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કોઈ પણ પ્રકારની ટીકા કે ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બોર્ડનું સંપૂર્ણ ધ્યાન ભારતીય ટીમોના મેદાન પરના પ્રદર્શન પર કેન્દ્રિત છે અને દેશની જનતા ભારતીય ખેલાડીઓની આ શાનદાર સિદ્ધિઓથી અત્યંત ખુશ છે.
આ વિવાદ 13 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલા મહિલા એશિયા કપના ફાઇનલ મુકાબલા બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતે રેકોર્ડ 8મી વાર મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પરંતુ ભારતીય ટીમ સત્તાવાર પુરસ્કાર વિતરણ સમારોહમાં સામેલ થઈ નહોતી. એસીસી અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી મંચ પર ઉપસ્થિત હતા અને ભારતની ટીમે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, બીસીસીઆઈએ ફાઇનલ મેચ પહેલાં જ પોતાની સ્થિતિ અંગે એસીસીને લેખિતમાં જાણ કરી દીધી હતી.
મેચ પૂર્ણ થયા બાદ આશરે 40 મિનિટ સુધી પુરસ્કાર વિતરણ સમારોહ શરૂ થઈ શક્યો નહોતો. આ દરમિયાન ભારતીય ટીમે પોતાની રીતે એક અલગ મેડલ સેરેમની યોજી હતી, જેમાં બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. ત્યારબાદ શ્રીલંકાની ટીમ અને મેચ ઓફિશિયલ્સને પુરસ્કારો આપવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય ટીમ ટ્રોફી અને વિજેતા મેડલ લેવા માટે મુખ્ય સ્ટેજ પર આવી નહોતી.
-
અગાઉ પણ સર્જાયો હતો આવો જ વિવાદ
ભારતીય ટીમે આ પ્રકારનું વલણ અપનાવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે પુરૂષ એશિયા કપની ફાઇનલ મેચમાં પણ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તે સમયે પણ ટ્રોફી સેરેમનીમાં આવી જ રીતે મડાગાંઠ સર્જાઈ હતી અને ભારતીય ખેલાડીઓને ટ્રોફી સોંપ્યા વિના જ સમારોહ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો.
હાલમાં પુરુષ અને મહિલા બંને એશિયા કપની ટ્રોફી દુબઈ સ્થિત એસીસી મુખ્યાલયમાં રાખવામાં આવી છે. જોકે, બીસીસીઆઈ સચિવ સૈકિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે બંને ટ્રોફી આખરે મુંબઈ સ્થિત બીસીસીઆઈ મુખ્યાલયમાં જ લાવવામાં આવશે, પરંતુ તેમણે તેના માટે કોઈ ચોક્કસ સમયસીમા આપી નહોતી.
-
સૈકિયાએ કહ્યું- મેદાન પરનું પ્રદર્શન સૌથી મહત્વપૂર્ણ
હવે સૈકિયાએ આ સમગ્ર વિવાદ પર વધુ બોલવાને બદલે ભારતીય મહિલા ટીમની સતત સફળતાઓને રેખાંકિત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે બીસીસીઆઈ માટે મેદાન પર ટીમનું શાનદાર પ્રદર્શન સૌથી વધુ મહત્વનું છે અને આખો દેશ ખેલાડીઓની આ સફળતાની ઉજવણી કરી રહ્યો છે.


