
ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 3 વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આવતા વર્ષે બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશ પહોંચશે અને પ્રવાસની શરૂઆત 4 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેથી થશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટૂર શેડ્યૂલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઢાકા ત્રણેય વનડે અને એક ટેસ્ટ અને ચટ્ટોગ્રામ બીજી ટેસ્ટની યજમાની કરશે. બંને ટેસ્ટ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. ભારત માટે બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ ઘણી મહત્વની રહેશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ માટે હવે લગભગ દરેક મેચ જીતવી જરૂરી છે. આ કારણથી ટીમે પોતાની શાનદાર રમત દેખાડવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ 2015થી બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો નથી. 2015માં પ્રવાસ પરની એકમાત્ર ટેસ્ટ ડ્રો રહી હતી, જ્યારે ત્રણ મેચની ODI શ્રેણી યજમાન ટીમ 2-1થી જીતી હતી. હવે આવતા વર્ષે 2023માં ઘરઆંગણે વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે.