Site icon Revoi.in

ટીમ ઇન્ડિયાનો મોટો નિર્ણય: પાકિસ્તાની મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર

Social Share

નવી દિલ્હી એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી ચોંકાવનારું પગલું ભર્યું હતું. મેચ બાદ ખેલાડીઓએ સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાની રાજકારણી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે.

મેચ પૂરી થયા બાદ લગભગ બે કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. ટ્રોફી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ટીમ ઇન્ડિયા હાજર ન રહી. નકવી ટ્રોફી લઈને મંચ પર ઊભા રહ્યા, પરંતુ ભારતીય ખેલાડીઓ અડગ રહ્યા કે તેઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. અહીં સુધી કે ખેલાડીઓએ નકવીને સ્ટેજ પરથી ઉતારી દેવાની માગણી પણ કરી હતી. અંતે નિર્ણય લેવાયો કે ભારતીય ટીમ એવોર્ડ સ્વીકારશે જ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહસિન નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. હેન્ડશેક વિવાદ બાદથી જ અટકળો ચાલી રહી હતી કે ભારતીય ખેલાડીઓ કોઈ પણ પાકિસ્તાનીના હાથે ટ્રોફી સ્વીકારશે નહીં. યાદ રહે કે 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. એ જ વિવાદ આગળ વધીને ટ્રોફી સેરેમની સુધી પહોંચી ગયો અને આખરે ડ્રામાનો અંત ટીમ ઇન્ડિયાના આ મોટા નિર્ણયથી આવ્યો.

Exit mobile version