ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો,અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી
ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉચકાતાં ગરમીનું જોર વધ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાતી વિગતો મુજબ ગુરુવારના રોજ ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વધીને 40.8 ડિગ્રી થયું. આવી જ રીતે ભુજમાં 37.6 ડિગ્રી નોંધાયું હતું જે વધીને 40.1 ડિગ્રી થયુ. અમદાવાદમાં 41.5 ડિગ્રીથી વધી 42 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોચી ગયાં બાદ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થયો હતો. જોકે આજે ફરી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઉચકાતાં ગરમીમાં ફરી વધારો શરૂ થયો છે.
આજે શનિવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. ગરમીની સાથે સાથે ઉકળાટ વધતા લોકો પરસેવે રેબઝેબ થયાં હતાં. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી આંકડાકીય વિગતો મુજબ ગઈકાલે શુક્રવારે રાજ્યના કુલ 7 શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું, જે તેના આગળના દિવસે માત્ર 2 શહેરોમાં જ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી પડી રહી છે, આ બંને શહેરમા મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો વધ્યો છે અને જાણકારો દ્વારા લોકોને તે પણ સલાહ આપવામાં આવી રહી છે કે તેમણે કામ વગર બહાર તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ અને જો અન્ય સહારો ન હોય તો જ્યારે પણ બહાર નીકળો ત્યારે પાણીની બોટલ સાથે જરૂરથી રાખવી.