1. Home
  2. ગુજરાતી
  3. LIVE UPDATE: LOC પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક મહિલાનું મોત
LIVE UPDATE: LOC પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક મહિલાનું મોત

LIVE UPDATE: LOC પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક મહિલાનું મોત

0

પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન બેહદ છંછેડાયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતીય વાયુસીમા ક્ષેત્રમાં ઘૂસીને યુદ્ધવિમાનો દ્વારા બોમ્બ ફેંકયા છે અને તે દરમિયાન ભારતના બે યુદ્ધવિમાનોને કથિતપણે નિશાન બનાવ્યા હતા. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે એક મિગ-21 યુદ્ધવિમાનના તૂટવાની અને એક પાયલટના લાપતા થવાની વાત જણાવી હતી. પાકિસ્તાની સેનાએ પહેલા બે ભારતીય પાયલટ પોતાની પાસે હોવાનું જણાવ્યું હતું. જો કે બુધવારે સાંજ સુધીમાં પાકિસ્તાનના જૂઠ્ઠાણાની પોલ તેની ખુદની કબૂલાત દ્વારા ખુલી હતી. ભારતીય વાયુસેનાનો એક જ પાયલટ પાકિસ્તાનની કસ્ટડીમાં છે. આ પાયલટનું નામ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન છે. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ઝડપથી ભારતને સોંપણી કરવાની તાકીદ પણ પાકિસ્તાનને કરવામાં આવી છે.

પાકિસ્તાનના ફાયરિંગમાં એક મહિલાનું મોત

એલઓસી પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં મનકોટમાં એક મહિલા અમીના અખ્તરનું મોત નીપજ્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં ઝાકિર હુસૈન નામના એક અન્ય વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી છે.

વિંગ કમાન્ડર અભિનંદન થશે મુક્ત

ભારતીય પાયલટને મુક્ત કરવાનું એલાન પાકિસ્તાનની સંસદમાં પાડોશી દેશના વડાપ્રધાન ઈમરાન ખાને કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ છેકે તેઓ શાંતિ ચાહે છે અને ભારતીય પાયલટને આવતીકાલે મુક્ત કરી દેશે. પાકિસ્તાનની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાનખાને કહ્યુ છે કે તેઓ આગળ કોઈ લડાઈ ઈચ્છતા નથી અને તેના માટે તેમણે બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરવાની કોશિશ કરી છે. પરંતુ તેઓ આ જે કોશિશ કરી રહ્યા છે, તેને નબળાઈ ગણવામાં આવે નહીં.

શસ્ત્રવિરામ ભંગ

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સુંદરબની, મનકોટ, ખારી કરમારા અને દેગવારમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન દ્વારા સવારે છ વાગ્યાથી આ વિસ્તારોમાં ફાયરિંગ થઈ રહ્યું છે અને ભારતીય સેનાના જવાનો પણ પાકિસ્તાનના ગોળીબાર સામે આકરી વળતી કાર્યવાહી કરી રહ્યા છે.

અન્ય દેશોના રાજદૂતોને અપાઈ જાણકારી

વિદેશ મંત્રાલયે જર્મની, નાઈજીરિયા, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ સહીતના ઘણાં દેશોના રાજદૂતોને બોલાવીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદની તાજેતરની સ્થિતિ બાબતે જાણકારી આપી છે.

પાકિસ્તાને એરસ્પેસ ખોલ્યો

પાકિસ્તાને ફરી એકવાર પોતાનો એરસ્પેસ ખોલ્યો છે. હવે પાકિસ્તાનના એરપોર્ટો પરથી ફ્લાઈટો સામાન્ય રીતે ઉડ્ડયન કરી શકશે.

ભારતની ચિમકી

વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ, આ મામલામાં કોઈ ત્રીજા પક્ષની જરૂરત નથી. અમેરિકા શરૂઆતથી જ ભારતની સાથે રહ્યું છે અને ચીનની નીતિ અસ્પષ્ટ છે. સૂત્રો મુજબ, યુએનના તમામ મેમ્બર અને પી-4 સદસ્ય ભારતની સાથે છે. સૂત્રોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાનની સીમામાં ઘૂસીને જે કાર્યવાહી કરી છે તેના સંદર્ભે કોઈ અવાજ ઉઠયો નથી. આ કૂટનીતિક જીત છે. ભરતની માગણી છે કે પાયલટને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. ભારતે સ્પષ્ટપણે કહ્યુ છે કે જો પાયલટને કંઈપણ થશે, તો ભારત કાર્યવાહી કરશે.

પાકિસ્તાન વાતચીત માટે તૈયાર

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે જો ભારતીય પાયલટને પાછો આપવાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થાય છે, તો તેઓ તેના માટે તૈયાર છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે પણ તૈયાર છે.

ભારતીય પાયલટની બિનશરતી વાપસીની માંગ

વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ, ભારતીય પાયલટની મુક્તિ માટે ડીલ કરવાનો કોઈ સવાલ નથી. પાયલટની પાકિસ્તાન તાત્કાલિક ભારતને સોંપણી કરે. જો પાયલટને કંઈ થશે તો ભારત કાર્યવાહી કરશે. ભારતે પાકિસ્તાનને કોન્સ્યુલર એક્સેસ નહીં, પરંતુ તાત્કાલિક વિંગ કમાન્ડર અભિનંદનને રિલીઝ કરવાની માગણી કરી છે. ભારત અને પાકિસ્તાનના દ્વિપક્ષીય મામલામાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા જેવી બાબતોનો પણ ઈન્કાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાનની હવાઈ ઘૂસણખોરી મિલિટ્રી ઠેકાણાઓ પર હુમલો હતો. ભારતના પાયલટની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે અને આ જિનિવા કન્વેન્શનનું ઉલ્લંઘન છે. પાકિસ્તાનની સેના જૈશ-એ-મોહમ્મદનું સમર્થન કરી રહી છે અને મસૂદ અઝહરને બચાવવાની કોશિશ કરી રહી છે.

પાકિસ્તાનને ચેતવણી

અમેરિકાએ કહ્યું છે કે સીમા પાર આતંકવાદ અને સીઆરપીએફ પર થયેલો હુમલો સુરક્ષા માટે પડકાર છે. અમે પાકિસ્તાનને યાદ અપાવીએ છીએ કે તેઓ યુએનએસસીમાં કરવામાં આવેલા વાયદાને નિભાવે અને આતંકવાદને આશ્રય આપે નહીં. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને ક્રોસ બોર્ડર મિલિટ્રી એક્ટિવિટી રોકવા અને સ્થિરતા જાળવી રાખવા માટે જણાવ્યું છે. અમેરિકાએ બંને દેશોને અપીલ કરી છે કે પરિસ્થિતિને સંભાળવામાં આવે અને સીધી વાત કરવામાં આવે.

ડોભાલની બેઠક

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો, રૉ અને ગૃહ મંત્રાલયના મોટા અધિકારીઓ સામેલ થયા છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ, ભારતનું વલણ સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેના જૈશ-એ-મોહમ્મદનું સમર્થન કરે છે.

પાકિસ્તાનને ડોઝિયર

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમને ભારત તરફથી ડોઝિયર મળી ચુક્યું છે. તેમણે ભારતીય પાયલટને સુરક્ષિત રાખ્યો છે. આના સંદર્ભે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

સીતારમણની બેઠક સમાપ્ત

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતરમણે ભારતીય સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણને સીમા પરની પરિસ્થિતિ સંદર્ભે જાણકારી આપવામાં આવી છે.

ઈમરાનખાનની કેબિનેટની બેઠક

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના કેબિનેટની સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ટ્રમ્પનું ટ્વિટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ નક્કર અને મોટી ખબર આવવાની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ થોડા સમયગાળામાં જ સમાપ્ત થવાની શક્યતા છે.

સેના-વાયુસેનાની પ્રેસ કોન્ફન્સ

સાંજે પાંચ વાગ્યે સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થવાની છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેના અને વાયુસેનાના અધિકારીઓ મીડિયા સાથે વાતચીત કરવાના છે.

પાકિસ્તાન દ્વારા ફાયરિંગ

પાકિસ્તાન તણાવપૂર્ણ સમયમાં પણ પોતાની નાપાક હરકતો ચાલુ રાખી રહ્યું છે. બપોરે એક વાગ્યે ફરી એકવાર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાને પુંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી પાસે એલઓસી પર શેલિંગ કર્યું છે. ભારતીય સેનાએ પણ આનો આકરો જવાબ આપ્યો છે.

આખો દેશ જવાનો સાથે ચટ્ટાનની જેમ ઉભો છે: પીએમ મોદી

બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે હાલના સમયમાં દેશની ભાવનાઓ અલગ સ્તર પર છે. દેશના વીર જવાનો સીમા અને સીમા પાર જઈને પોતાનું પરાક્રમ દેખાડી રહ્યા છે. આખો દેશ એક છે અને આપણા જવાનોની સાથે ઉભો છે. દુનિયા આપણી સામુહિક ઈચ્છાશક્તિ જોઈ રહી છે.

પાકિસ્તાનની ઓઆઈસી બેઠકના બહિષ્કારની ધમકી

ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પહેલી અને બીજી માર્ચે અબુધાબીમાં યોજાઈ રહેલી ઈસ્લામિક દેશોના વિદેશ પ્રધાનોના બેઠકમાં ભાગ લેશે. આ બેઠક માટે સુષ્મા સ્વરાજને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ વિદેશ પ્રધાનોની પરિષદના 46મા સત્રના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરવાના છે. જેને કારણે પાકિસ્તાના પેટમાં તેલ રેડાયું છે અને પાકિસ્તાને આ બેઠકના બહિષ્કારની પણ ધમકી આપી છે.

મુંબઈ મેટ્રોની સુરક્ષામાં વધારો

સુરક્ષા એજન્સીઓએ મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના તમામ મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા અને ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યા છે.

ડરી રહ્યું છે પાકિસ્તાન

પાકિસ્તાનની સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને અપીલ કરી છે કે તેઓ દુનિયાને અપીલ કરવા ચાહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ શાંતિ થવી ઘણી જરૂરી છે.

સંરક્ષણ પ્રધાન જશે જમ્મુ-કાશ્મીર

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની ભારતીય સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ બેઠકને ભારત અને પાકિસ્તાન વચ્ચની તણાવની સ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો શુક્રવારે ભારતીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ જમ્મુ-કાશ્મીર જાય તેવી શક્યતા છે.

સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ

પાકિસ્તાની અધિકારીઓએ સમજૌતા એક્સપ્રેસ ટ્રેનની સેવાઓને રદ્દ કરી છે. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેન સોમવારે અને ગુરુવારે લાહોરથી ચાલે છે. ડોન ન્યૂઝ ટેલિવિઝન પ્રમાણે, આગામી સૂચના સુધી સમજૌતા ટ્રેનને રદ્દ કરવામાં આવ્યું છે. સમજૌતા એક્સપ્રેસને રદ્દ કરવાનો કારણે ઘણાં પ્રવાસીઓ લાહોર રેલવે સ્ટેશન પર ફસાયા છે.

પાકિસ્તાનનો ફફડાટ

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે ભારત કોઈપણ સમયે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યુ છે કે ભારત જમીન, સમુદ્ર અને હવા કોઈપણ ઠેકાણેથી હુમલો કરે તેવી શક્યતા છે. મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે પાકિસ્તાન યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે તૈયાર છે.

પાકિસ્તાન ફરીથી બેનકાબ

પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે ભારતે તેના કોઈ યુદ્ધવિમાનને તોડી પાડયું નથી. હવે પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ ભારતના મિગ યુદ્ધવિમાન દ્વારા તોડી પાડવામાં આવેલા એફ-16 યુદ્ધવિમાનના કાટમાળ સાથે દેખાઈ રહ્યા છે અને તેની તસવીર પણ સામે આવી ચુકી છે.

કેબિનેટની બેઠક પહેલા સીસીએસની મીટિંગ

સાંજે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકથી પહેલા યોજાનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની મીટિંગમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સામેલ થવાના નથી. સુષ્મા સ્વરાજ હાલ વિદેશ પ્રવાસ પર છે.

પાકિસ્તાનમાં એલર્ટ

પાકિસ્તાને પોતાની તમામ પ્રાંતીય સરકારોને એલર્ટ પર રહેવા માટે નિર્દેશ આપ્યા છે. આ સિવાય પાકિસ્તાનની સરકારે તમામ હોસ્પિટલોને પણ એલર્ટ પર રહેવા તાકીદ કરી છે અને પોતાના એરપોર્ટ બંધ કર્યા છે

પાકિસ્તાનની ઝાટકણી

અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રિંગલાએ પાકિસ્તાનને આડે હાથ લીધું છે. તેમણે કહ્યુ છે કે ભારત આતંકવાદ વિરુદ્ધની પોતાની લડાને ચાલુ રાખશે અને આકરા પગલા ભરતું રહેશે.

સમજૌતા એક્સપ્રેસ રદ્દ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને રદ્દ કરી છે. આ ટ્રેન લાહોરથી અટારી સુધી અને ત્યાંથી દિલ્હી સુધી ચાલતી હતી.

સંરક્ષણ પ્રતિષ્ઠાનોને ઈંધણની તંગી નહીં થાય

પાકિસ્તાન સાથેના તણાવના વધવાને કારણે ભારતીય ઓઈલ કંપનીઓએ તમામ સંરક્ષણ અને રણનીતિક પ્રતિષ્ઠાનોને ઈંધણની અડચણ વગર આપૂર્તિ માટે ઘણી નક્કર યોજના બનાવી છે. તેના માટે ઈંધણ ભરેલી ટ્રકોને રાજ્ય માટે રવાના કરી દેવામાં આવી છે. ટોચના અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન સાથેના સીમાવર્તી વિસ્તારમાં આવેલા ફોરવર્ડ ઠેકાણાઓ પર સુરક્ષા પ્રતિષ્ઠાનોને પુરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓઈલ કંપનીઓએ મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર પહેલા જમ્મુ-કાશ્મીર અને અન્ય અગ્રિમ વિસ્તારોમાં પોતાના ભંડારણોને પૂર્ણ કરી લીધા હતા. તેમણે કહ્યુ છે કે હવે વિમાન ઈંધણ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોથી ભરેલી ઈંધણની 500 ટેકરોને જમ્મુ-કાશ્મીર અને અગ્રિમ વિસ્તારોમાં રવાના કરાઈ રહ્યા છે.

સમુદ્રી સીમા પર પાકિસ્તાનની તીવ્ર મૂવમેન્ટ

એક તરફ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તો બીજી તરફ ગુજરાત સરહદે પણ તેની હરકતો તેજ થઈ ચુકી છે. મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાને કચ્છ નજીકની સમુદ્રી સીમા પર હથિયાર-આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને પોતાના માછીમારોને પણ સમુદ્રમાં જવાની મનાઈ ફરમાવી દીધી છે. પાકિસ્તાન તરફથી કેટલીક મૂવમેન્ટ પણ જોવા મળી હી છે. અહેવાલો છે કે પાકિસ્તાને ડોલ્ફિન કમાન્ડોને પણ સ્ટેન્ડબાય મોડમાં તેનાત કર્યા છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે પોતાના નિવાસસ્થાને કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 6-30 કલાકે યોજાવાની છે. મહત્વપૂર્ણ છે કે બુધવારે પણ વડાપ્રધાન મોદીએ ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી.

અમેરિકાનો ભારતને સાથ

એનએસએ અજીત ડોભાલે અમેરિકાને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેઓ પાકિસ્તાનમાં ફાલીફૂલી રહેલા આતંકવાદ વિરુદ્ધ એક્શન લેવા માટે તૈયાર છે. અજીત ડોભાલે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

માત્ર સૈન્ય રાહે જ નહીં, પણ કૂટનીતિક સ્તરે પણ ભારત પાકિસ્તાન સામે પગલા લઈ રહ્યું છે અને તેના માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની વિદેશ યાત્રા ઘણી મહત્વપૂર્ણ છે.

શસ્ત્રવિરામ ભંગ

બુધવારે સાંજે એલઓસી પર રાજૌરી જિલ્લાના મેંઢર, કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું અને તેનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. ભારતની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ તબાહ થઈ ચુકી છે.

મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવા માગણી

પુલવામા એટેક બાદ આતંકવાદની વિરુદ્ધના જંગમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પણ આવી ગયા છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પ્રસ્તાવ આપ્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાકિસ્તાન ખાતેના આતંકવાદી સમૂહ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવામાં આવે.

મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા મામલે 10 દિવસમા જવાબ

મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા માટેનો પ્રસ્તાવ 15 સદસ્ય ધરાવતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને મોકલી દેવામાં આવ્યો છે. યુએનએસસીની કમિટી જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાના મામલે દશ દિવસમા જવાબ આપશે. આમા મસૂદ અઝહરની મિલ્કતને જપ્ત કરવી અને તેની આંતરરાષ્ટ્રીય યાત્રોને પ્રતિબંધિત કરવાની માગણી કરવામાં આવી છે. આ પ્રસ્તાવ યુએનમાં અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને રજૂ કર્યો છે.

પાકિસ્તાનમાં ફ્લાઈટો રદ્દ

પાકિસ્તાને પોતાના એરપોર્ટો પર બુધવારે જ એલર્ટ જાહેર કર્યું હતું. હવે તેણે પોતાની એરસ્પેસ સિસ્ટમને બંધ કરી દીધી છે. જેને કારણે પાકિસ્તાનની વાયુસીમામાં કોઈપણ આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ફ્લાઈટ હવે ઉડી રહી નથી. પાકિસ્તાને પોતાની નૌસેનાને પણ એલર્ટ આપ્યું છે.

રણનીતિ પર મંથન

વડાપ્રધાન મોદીએ ભારતીય સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે મહત્વની બેઠક કરીને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રો મુજબ, વડાપ્રધાને તમામ સેના પ્રમુખોને કહ્યુ છે કે ભારત કોઈપણ દબાણની સામે ઝુકવાનું નથી અને યોગ્ય સમય પર આકરો જવાબ આપવામાં આવશે.

ભારતમાં ઉત્તરીય રાજ્યો એલર્ટ પર

બુદવારે કેટલોક સમય કોમર્શિયલ ફ્લાઈટોના ઉડ્ડયનો પર નવ શહેરોના એરપોર્ટો પર રોક લગાવી દેવામાં આવી હતી. જો કે બાદમાં તેને ફરીથી ચાલુ કરવામાં આવી હતી. હજીપણ તમામ એરપોર્ટ એલર્ટ પર છે, વાયુસેનાના યુદ્ધવિમાનો પણ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતની સેના બોર્ડર પર બિલકુલ સતર્ક છે અને એરફોર્સ પણ તૈયાર છે.

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની કસ્ટડીમાં

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત પાછા લાવવા માટે સોશયલ મીડિયા પર મોટું અભિયાન છેડાયું છે. પરંતુ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના સોશયલ મીડિયામાં ફરતા વીડિયોને શેયર નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે. તેની સાથે જ કંદહાર કાંડ વખતે જેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો, તેવો માહોલ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના મામલામાં બનાવવાની કોશિશો સામે પણ લોકોને સતર્ક રહેવા માટે જાણકારો દ્વારા તાકીદ કરવામાં આવી છે. તો ભારતે પણ કહ્યું છે કે જિનિવા સંધિ હેઠળ પાકિસ્તાન તાત્કાલિક વિંગ કમાન્ડરને પાછા સોંપવા જોઈએ, જ્યાં સુધી તે પાકિસ્તાનની પાસે છે, તેમના ઉપર કોઈ આંચ આવવી જોએ નહીં.

તણાવ ચરમસીમાએ

પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણા પર ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતીય વાયુક્ષેત્રમાં ઘૂસીને યુદ્ધવિમાનો દ્વારા બોમ્બમારો કર્યો અને તે વખતે ભારતના બે યુદ્ધવિમાનોને કથિતપણે નિશાન બનાવ્યા હતા. જો કે ભારતે માત્ર એક મિગ-21 તૂટયાનું કબૂલ્યું છે અને તેના લાપતા પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની કસ્ટડીમાં છે. પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન બિલકુલ બેખોફ દેખાઈ રહ્યા છે.

બ્રિટનના વિદેશ પ્રધાને ક્હ્યુ, તેઓ ભારત-પાકિસ્તાનના સંપર્કમાં

બ્રિટનના વિદેશ પ્રધાન જેરેમી હંટે બુધવારે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીની સાથે વાતચીત કરી છે. જેથી પુલવામા એટેક બાદ બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો વચ્ચેના તણાવને વધતો રોકી શકાય. બ્રિટનના વિદેશી અને એફસીઓ તરફથી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો સાથે બ્રિટનના વિદેશ પ્રધાનની વાતચીત અને બંને પાડોશી દેશોને સંયમ રાખવા આગ્રહ કર્યો હોવાનું પણ જણાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.