Site icon Revoi.in

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-6ના 4 વિષયના પાઠ્ય-પુસ્તકો બદલાશે

Google Maps

Social Share

ગાંધીનગર, 08 માર્ચ 2026Textbooks for 4 subjects of Standard 6 will be changed  નવી શિક્ષણ પોલીસી અંતર્ગત પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એનસીઇઆરટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ-6ના પાંચ વિષયના પાઠ્યપુસ્તકો બદલ્યા બાદ હવે જીસીઇઆરટી દ્વારા તેના અનુવાદ અને રાજ્ય માટે અનુકૂલન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યની શાળાઓમાં ધોરણ-6ના ગણિત, વિજ્ઞાન, સોશિયલ સાયન્સ અને અંગ્રેજીના પાઠ્યપુસ્તકો બદલાશે.

રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળના સૂત્રોના કહેવા મુજબ નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ, વિચારશક્તિ અને ગ્રૂપ ડિસ્ક્શન દ્વારા શીખવાની પદ્ધતિને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 10 લાખથી વધુ વિદ્યાર્થીને નવા અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરવાની તક મળશે. ગણિતનું પુસ્તક હવે ‘ગણિત પ્રકાશ’, વિજ્ઞાનનું પુસ્તક ‘કુતૂહલ (વિજ્ઞાન)’ અને સોશિયલ સાયન્સનું પુસ્તક ‘સમાજની શોધયાત્રા : ભારત અને તેનાથી આગળ’ નામે ઓળખાશે. નવા ગણિત પ્રકાશના પુસ્તકમાં ચર્ચા આધારિત પ્રશ્નો બોક્સમાં આપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા વધે અને તર્કશક્તિ વિકસે. ‘બીજુ પ્રયત્ન કરો’ વિભાગમાં ઓપન-એન્ડેડ પ્રશ્નો મુકાયા છે જેમાં ગ્રૂપ ડિસ્ક્શન દ્વારા એકથી વધુ જવાબો યોગ્ય બની શકે છે. આ ઉપરાંત દરેક પાઠમાં ગેમ્સ, પેટર્ન અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે. બેથી ત્રણ ગેમ્સ અને પેટર્ન દ્વારા વિદ્યાર્થીઓ પોતે શીખે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે. નવી પદ્ધતિમાં પરંપરાગત સ્વાધ્યાય આધારિત શિક્ષણને ઓછું મહત્ત્વ અપાયું છે.

કેન્દ્રીય બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં ધો.6 અને 2025-26માં ધો.7ના પાઠ્યપુસ્તકો બદલાયા હતા. હવે 2026-27ના શૈક્ષણિક વર્ષથી ધોરણ-8ના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર થવાની તૈયારી ચાલી રહી છે. ‘કુતૂહલ (વિજ્ઞાન)’ પુસ્તકમાં વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વધે તે માટે પ્રયોગ આધારિત પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુદરતી પરિસ્થિતિઓમાં થતા ફેરફારોને સમજવા માટે વિદ્યાર્થીઓ ઘરે ઉપલબ્ધ નાના સાધનો વડે પ્રયોગ કરી શકે તે પ્રકારની પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવી છે. સોશિયલ સાયન્સના નવા પાઠ્યપુસ્તકમાં સમાજ, ઇતિહાસ અને ભૌગોલિક વિષયો વિદ્યાર્થીઓને અનુભવ આધારિત રીતે સમજાય તે માટે કેસ સ્ટડી અને ચર્ચા આધારિત મુદ્દાઓ પણ ઉમેરવામાં આવ્યા છે.

Exit mobile version