Site icon Revoi.in

અમદાવાદમાં પાર્કિંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્રએ મથામણ શરૂ કરી

Social Share

અમદાવાદઃ Ahmedabad, traffic problem,  શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી છે. તેના લીધે ટ્રાફિકજામની ઠેર ઠેર સમસ્યા જોવા મળી રહી છે. વાહનચાલકો પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે. તેમજ રોડ પરના દબાણોને લીધે પણ ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા રોડમેપ નક્કી કરાયો છે. જેના ભાગરૂપે એએમસી  દ્વારા રોડ પરના દબાણો હટાવવા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સવારથી મોડી રાત સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની સુવિધા છે છતાં પણ વાહન પાર્કિંગ નથી કરવા દેવામાં આવતા એવા કોમ્પ્લેક્સ અને મિલકતોને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ શહેરમાં વાહનચાલકોને ટ્રાફિક્માં રાહત મળે અને પાર્કિંગની વ્યવસ્થિત જગ્યા મળે તે માટે એએમસી દ્વારા આગામી સમયમાં 38 હજાર ટુ વ્હિલર અને 21 હજાર ફોર-વ્હીલર માટે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કર્યું છે. જેના માટે સર્વે કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરી લેવાયો છે. નક્કી કરાયેલા રસ્તાઓ પર તબક્કાવાર અમલીકરણ કરાશે.

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ) રિદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં શિસ્તતા માટે “નો પાર્કિંગ”, “નો વેન્ડિંગ ઝોન” અને વાહન પાર્કિંગ સંબંધિત સાઈનેજ લગાવવામાં આવ્યા છે. ફ્રી અને પેઇડ પાર્કિંગ અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આગામી સમયમાં અંદાજે 38,000 ટુ-વ્હીલર અને 21,000 ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા આયોજન કરાયુ છે. શહેરના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બે ખાનગી એજન્સીઓ દ્વારા સર્વે પૂર્ણ કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધારે પસંદ કરાયેલા પાંચ માર્ગો પર પ્રથમ તબક્કામાં અમલીકરણ કરવામાં આવશે. શહેરીજનોને આગામી દિવસોમાં નિયત સ્થળે પાર્કિંગ માટે પૈસા ચૂકવવા પડશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં કોમર્શિયલ એકમો, મોલ, ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે પોતાની પાર્કિંગ જગ્યા હોવા છતાં તેનો ઉપયોગ ન થતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી એએમસી  દ્વારા 64 માર્ગો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે 378 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જેમની પાસે પોતાની પાર્કિંગ જગ્યા હોવા છતાં વાહનોને અંદર પાર્ક કરવા દેવામાં આવતા નથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસનું પાલન ન કરનારા એકમો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન ચલણ અને ડિજિટલ પેનલ્ટી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, એએમસી  દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન – એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે મ્યુનિ.  દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે.

Exit mobile version