1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શ્રેષ્ઠ સમાજ સુધારક અને પત્રકાર કરશનદાસ મુળજીએ દોઢ શતક પહેલા સંઘર્ષ કરી સમાજને નવો રાહ ચિંધ્યો
શ્રેષ્ઠ સમાજ સુધારક અને પત્રકાર કરશનદાસ મુળજીએ દોઢ શતક પહેલા સંઘર્ષ કરી સમાજને નવો રાહ ચિંધ્યો

શ્રેષ્ઠ સમાજ સુધારક અને પત્રકાર કરશનદાસ મુળજીએ દોઢ શતક પહેલા સંઘર્ષ કરી સમાજને નવો રાહ ચિંધ્યો

0
Social Share

191માં જન્મદિને ગુજરાતી ભાષાના વૈશ્વિક પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીના જીવન કવનમાં ડોકિયું*

આજે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં દરેક નાની વાત ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને મોટી વાત કોલાહલમાં દબાઈ જાય છે ત્યારે આજની નવી પેઢી કદાચ માની પણ નહીં શકે કે એક કાળા માથાનો માનવી આજથી દોઢ શતક પહેલા સમાજના ધર્મધૂરંધરો સામે એકલે હાથે લડ્યો હશે. તેની પાસે માત્ર એક હથિયાર હતું , તેની કલમ અને સચ્ચાઈ. એ જીત્યો અને દુનિયા સામે પત્રકારત્વનો એક અદભુત ઇતિહાસ પણ રચ્યો. એ અતુલનિય પત્રકાર, સમાજ સુધારક હતા કરસનદાસ મૂળજી, જેમણે પોતાની જીદ, સચ્ચાઈ અને કલમના જોરે સમાજના શક્તિશાળી લોકોને ઝુકાવ્યા. અદાલતમાં તેઓ જે કેસ જીત્યા તે “મહારાજ લાઇબલ કેસ” તરીકે પત્રકારત્વ વિશ્વમાં સુપ્રસિદ્ધ છે.૨૫ જુલાઈ ૧૮3૨ના રોજ મુંબઈમાં જન્મેલા કરસનદાસ મૂળજીના ૧૯૧માં જન્મદિવસે તેમના ગુજરાતી અને વૈશ્વિક કક્ષાના પત્રકારત્વના પ્રદાનને ગૌરવથી યાદ કરવું ઘટે.

ઉત્તમ પત્રકાર, શ્રેષ્ઠ સમાજ સુધારક, સાહસિક મુસાફર, ઉત્તમ વહીવટકર્તા, ઉત્તમ માનવી આવા કેટકેટલાય વિશેષણો તેમના નામ આગળ લગાવીએ તો પણ ઓછા પડે એવા આ મહાન વ્યક્તિત્વનો જન્મ મુંબઈના કપોળ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મૂળજી કહાનજી અને માતાનું નામ ગોમતી હતું. મુંબઈના તત્કાલીન ફોર્ટ બજાર વિસ્તારમાં આવેલી “રૂપજી ધનજી સ્ટ્રીટ” ના મકાનમાં તેમનો જન્મ થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં જ થયું બાદમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટમાં દાખલ થયા. અહીં તેમને કેળવણીના લાભો મળવાના શરૂ થયા. તેમણે યુવાનોની મંડળીઓ સ્થાપી અને વિવિધ વિષયો પર નિબંધો, ભાષણો પર કામ શરૂ કર્યું. શિક્ષણ પૂરું કરી તેઓ ફોર્ટની શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૩માં તેમણે બુદ્ધિવર્ધક હિન્દુ સભામાં ‘દેશાટણ’ વિશે નિબંધ વાચ્યો, જેને બાદમાં સભાએ પ્રસિદ્ધ પણ કરાવ્યો. તેની અસર સ્વરૂપે “….શ્રોતાઓમાં કેટલાકના મન ઉશ્કેરાયા અને લાગ આવે તો દેશાટણ કરવાની ઉત્કંઠા કોઈકને થઈ….” આ નિબંધે તેમને ખ્યાતિ અને વધુ સારી નોકરી બંને અપાવ્યા. શેઠ ગોકળદાસ તેજપાલે સ્થાપેલી શાળામાં તેઓ “મુખ્ય ગુરુ” બન્યા. આ સમયગાળા દરમિયાન ભારતમાં વર્તમાનપત્રો શરૂ થઈ રહ્યા હતા. પારસીઓ આ ક્ષેત્રે આગળ પડતા હતા. પારસીઓના અખબાર રાસ્ત ગોફતારમાં તેમણે વિવિધ સંસાર સુધારાના નિબંધ લખ્યા, જેના પરિપાક સ્વરૂપે “સત્યપ્રકાશ” અખબારનો જન્મ થયો. વચ્ચે થોડો સમય તેમણે નોકરી માટે ડીસા જવાનું થયું ત્યારે તેમણે સત્યપ્રકાશની કમાન મહિપતરામ રૂપરામને સોંપી. ૧૮૫૮માં ડીસાથી પરત આવીને તેમણે ફરી અખબાર હાથમાં લીધું. આ અખબારનો તેમણે સમાજસુધારા માટે જોરદાર ઉપયોગ કર્યો. ભારે જોખમો લીધા, અડચણો વેઠી, સંઘર્ષો કર્યા. ભૂલેશ્વરના છપ્પભોગ વિવાદમાં સત્યપ્રકાશની સમાજસુધારા દ્રષ્ટિને ખૂબ વેગ મળ્યો. ઈસ. ૧૮૫૯માં તેમનું પ્રથમ પુસ્તક “નીતિવચન” પ્રસિદ્ધ થયું.  કરસનદાસ ક્યારેય દ્વેષબુદ્ધિથી લખતા નહીં પરંતુ તત્કાલીન વૈષ્ણવ ધર્માચાર્યો એ ધર્મના નામે ભોળી સ્ત્રી સેવિકાઓનુ શોષણ કરવાના જે રસ્તા અપનાવ્યા હતા તેની સામે તેઓ સત્યપ્રકાશના મઘ્યમથી પડ્યા હતા.અહી ધર્મ ધુરંધરોની તાકાત બુલંદ હતી અને સામે સુધારાવાળા મુઠ્ઠીભર હતા.

કરસનદાસ વૈષ્ણવ આચાર્યોના અંધ વિરોધી ના હતા. મુંબઈમાં જદુનાથજી મહારાજે કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા શરૂ કરવા કાર્યક્રમ યોજ્યો તેને સત્યપ્રકાશે સુંદર રિપોર્ટિંગ કરીને બિરદાવ્યો હતો. જો કે એ જ જદુનાથજી મહારાજના પાખંડ વિરુદ્ધ તેમણે સત્યપ્રકાશમાં ૨૧ ઓક્ટોબર ૧૮૬૦ ના અંકમાં લખેલા લેખ “હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો” એ પાખંડી ધર્માચાર્યો ને હચમચાવી નાખ્યા. આ લેખને પોતાની જાહેર બદનામી ગણાવીને જદુનાથજી મહારાજે ૧૮૬૧ની ૧૪ મેના રોજ કરસનદાસ મૂળજી પર મુંબઈની સર્વોચ્ચ અદાલતમાં ૫૦,૦૦૦ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો.

અનેક સામાજિક કાવાદાવા અને ધમકીઓનો સામનો કરીને કરસનદાસ અને તેમના મિત્રો આ કેસ હિંમતભેર  લડ્યા. કરસનદાસને આ કેસમાં આગળ વધતા અટકાવવા થયેલા ષડયંત્ર ( ભાટીયા કોંસ્પીરસી કેસ) માં પણ વિજય મેળવ્યા બાદ ૧૮૬૨ની ૨૫મી જાન્યુઆરીએ આ કેસ ચાલ્યો. જેમાં કવિ નર્મદ સહિત અનેક સુધારાવાળાઓએ કરસનદાસની તરફેણમાં જુબાનીઓ આપી. કેટલાક તત્કાલીન અખબારો પણ આ મુદ્દે કરસનદાસની સાથે રહ્યા. કરસનદાસ અને અન્ય સાક્ષીઓ દ્વારા અદાલતમાં રજૂ કરાયેલા પુરાવા, દાખલા દલીલો અને જુબાનીઓએ મહારાજ જદુનાથની પાખંડ લીલાને ખુલ્લી પાડી દીધી. કરસનદાસ અને તેમના સાથીઓના પુરાવા પૂરા થયા પછી તેનું ખંડન કરવા જદુનાથજી મહારાજ તરફથી ૭૫ સાક્ષીઓ લાવવામાં આવ્યા. ૨૪ દિવસ સુધી ચાલેલી દલીલો, પ્રતિદલીલો, જુબાનીઓ અને અદાલત બહારના કાવાદાવા અને હોહા બાદ ૨૨મી એપ્રિલે ન્યાયાધીશ સર આર્નોલ્ડ જોસેફે કરસનદાસની તરફેણમાં ચુકાદો આપ્યો. કુલ મળીને જે દાવો જદુનાથજી મહારાજે કર્યો હતો એટલી જ રકમ એટલે કે ૫૦,૦૦૦ રૂપિયા તેમણે જ કરસનદાસને વળતર પેટે ચૂકવવા પડ્યા.

“મહારાજ લાઇબલ કેસ” તરીકે ખ્યાતિ પામેલા આ કેસ બાદ કરસનદાસનું નામ પ્રખર કેળવણીકાર, સમાજ સુધારક તરીકે પ્રચલિત થયું. સુધારાવાદીઓના હાથ મજબૂત થયા. કરસનદાસે આ પ્રખ્યાત કેસના ૨૩૯ પાનાના અંગ્રેજી અહેવાલનું ગુજરાતી ભાષાંતર કરાવ્યું અને “દેશ દેશાવરના વર્તમાનપત્રોમાં” છપાવ્યું. મુંબઈમાં સુધારાની પ્રવૃત્તિને વેગ આપ્યા બાદ તેઓ રાજકોટ અને લીંબડીના વહીવટદાર પદે પણ રહ્યા. અહીં પણ તેમણે નેત્રદિપક કામગીરી કરી પરંતુ કામના ભારણ સાથે તેમને લાગુ પડેલા હરસના રોગે પણ ઉથલો માર્યો. લીંબડીમાં તેમણે સારવાર કરાવી પરંતુ તબિયત બગડી અને ૨૮ ઓગસ્ટ ૧૮૭૧ના રોજ તેમણે દેહત્યાગ કર્યો.

કરસનદાસે તેમના સમાજ સુધારક, પત્રકાર, શિક્ષક, પ્રવાસ નિબંધકાર, વહીવટદાર તરીકેના બહુરંગી જીવનમાં ઉત્તમ સાહિત્ય અને પુસ્તકો ગુજરાતને આપ્યા. તેમની પોતાની નોંધ અનુસાર ૨૩ જેટલા પુસ્તકો, અન્યના પુસ્તકો અને  વિવિધ વિષયો પરના “ચોપાનિયા” તેમણે પ્રસિદ્ધ કર્યા હતા. ગુજરાતને પહેલી ગુજરાતી પોકેટ ડીક્ષનરી આપવાનો શ્રેય પણ તેમને જાય છે. માત્ર 30 વર્ષની ઉંમરે તેમણે આ ગુજરાતી ખિસ્સાકોશ તૈયાર કર્યો હતો જેમાં ૧૦,૦૦૦ શબ્દોનો સમાવેશ છે.આવા વિરાટ વ્યક્તિત્વના પત્રકારત્વ પર આગામી સમયમાં એક બિગબજેટ ફિલ્મ પણ આવવાની છે. યશરાજ ફિલ્મ દ્વારા “મહારાજ” પર ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાના આ વૈશ્વિક પત્રકારને શત શત પ્રણામ….

લેખન: પ્રો.( ડૉ) શિરીષ કાશીકર

નિયામક, એનઆઇએમસીજે ,અમદાવાદ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code