Site icon Revoi.in

સુરતમાં તાપી નદીમાં પાણીની સપાટી ન ઘટતા કાઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ

Social Share

સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે સોમાસાની સીઝન દરમિયાન અને ત્યારબાદ તાપી નદી છલોછલ બેકાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમમાંથી સમયાંતરે છોડવામાં આવતા પાણીને લીધે સુરતમાં તાપી નદી પરનો કોઝવે બંધ કરાયો છે. જેના લીધે કોઝવે પરનો વાહન વ્યવહાર પણ ચાર મહિનાથી બંધ છે.

તાપી નદી પરનો ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઇ ગયો છે. 1 નવેમ્બર 2025થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક ગણાય છે. નવેમ્બર મહિનામાં 345 ફૂટથી વધુ 25 વર્ષમાં માત્ર 4 વખત જ ડેમની સપાટી રહી છે. હાલ પણ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે. તેના પગલે જેટલું પાણી આવે છે તેટલું પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે. જેના પગલે હાલ પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો વીયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ છે. હાલ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે.

છેલ્લા 25 વર્ષના આંકડાઓ જોવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી 4 વાર 345 ફૂટને પાર પહોંચી છે. જ્યારે 3 વાર એવુ બન્યું છે કે, સપાટી 345 ફૂટની નજીક સુધી પહોંચી છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક છૂટોછવાયો વરસાદ પડયો હતો. જેના કારણે 1 નવેમ્બર સુધી પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે. સામાન્ય રીતે ઓક્ટોબર મધ્ય પછી પાણીની આવક ઘટી જતી હોય છે, પરંતુ આ વર્ષે નવેમ્બર માસના આરંભ સુધી ડેમમાં પાણીનો પ્રવાહ જળવાયેલો રહ્યો છે.

ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે છેલ્લા ચાર મહિનાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝ વે છેલ્લા ચાર મહિનાથી ઓવર ફ્લો થઈ રહ્યો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 345 ફૂટ છે અને 22,000 થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના પગલે જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.