કેન્દ્ર સરકાર હવે દર 15 દિવસે ઓઈલની કિંમતોની સમીક્ષા કરશે
નવી દિલ્હી, 27 માર્ચ 2026 : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સરકાર હવે દર 15 દિવસે તેલની કિંમતોની સમીક્ષા કરશે. તેલ કંપનીઓની ખોટ ઘટાડવા અને ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે હેતુથી એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) ના ચેરમેન વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ સ્થિતિને સંતુલિત કરવા માટે સરકારે ઘરેલું પેટ્રોલ વપરાશ પરના ટેક્સમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પરની સુધારેલી ડ્યુટી હવે પ્રતિ લિટર રૂ. 21.90 થી ઘટાડીને રૂ. 11.09 કરવામાં આવી છે. તેવી જ રીતે ડીઝલ પરની ડ્યુટી પણ પ્રતિ લિટર રૂ. 17.8 થી ઘટાડીને રૂ. 7.8 કરી દેવામાં આવી છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે, “આપણે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ અને સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, છતાં ભારત પાસે કાચા તેલનો પર્યાપ્ત ભંડાર છે. આગામી બે મહિના માટે સપ્લાયની વ્યવસ્થા નિશ્ચિત કરી દેવામાં આવી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, એપ્રિલ 2022 થી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ કાં તો ઘટ્યા છે અથવા સ્થિર રહ્યા છે. હાલમાં રિફાઇનરીઓ 100% થી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે અને એલપીજી તેમજ પીએનજીની સ્થિતિ પણ સામાન્ય છે.
હવે દર પખવાડિયે (15 દિવસે) કિંમતોની સમીક્ષા કરવામાં આવશે જેથી વૈશ્વિક ફેરફારોની સીધી અસર ગ્રાહકો પર ન પડે. તેલ કંપનીઓ ઊંચા ભાવે વિદેશમાં નિકાસ કરવાને બદલે ઘરેલું બજારમાં ઈંધણ ઉપલબ્ધ કરાવે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. દેશમાં દરરોજ 10,000 થી વધુ નવા ગેસ કનેક્શન ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. આ ટેક્સ ફેરફારોને કારણે દર પખવાડિયે આશરે 1500 કરોડ રૂપિયાનો રાજસ્વ લાભ થવાનો અંદાજ છે.
વિવેક ચતુર્વેદીએ સ્પષ્ટ કર્યું હતું કે સ્થિતિ અત્યંત પરિવર્તનશીલ છે અને દેશ એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ સરકારનો અભિગમ સંતુલિત છે જેથી સામાન્ય જનતાને ઈંધણની અછત કે ભાવવધારાનો સામનો ન કરવો પડે.


