1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે યોજાતી ચંદનયાત્રા ભક્તો વિના યોજવી પડશે

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે યોજાતી ચંદનયાત્રા ભક્તો વિના યોજવી પડશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત યોજાતી રથયાત્રાનું મહાત્મય સવિશેષ છે. રથયાત્રા પહેલા જ ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તા. 14મી મે ના રોજ ચંદન યાત્રા ભક્તો વિના જ યોજવી પડશે.

અમદાવાદમાં અષાઢી બીજના રોજ નિકળતી રથયાત્રાના અગાઉના કાર્યક્રમો પર કોરોના સંક્રમણનું ગ્રહણ નડી રહ્યું છે. આ ગ્રહણ સતત બીજાવર્ષે આવી રહ્યું છે. કોરોના સંક્રમણના કેસો વધતાં રથયાત્રા યોજવા પર અત્યારે તો અનિશ્ચિતતા જોવા મળી રહી છે ત્યારે ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે. રથયાત્રાને હજી વાર છે પરંતુ તે પહેલાના કાર્યક્રમો પર નિયંત્રણો આવી શકે છે.

અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો યોજાશે પરંતુ મે મહિનામાં તેને આનુશાંગિક કાર્યક્રમો આવે છે તેમાં નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. 14મી મે ના રોજ ચંદનયાત્રા યોજવામાં આવતી હોય છે પરંતુ તે ભક્તોની હાજરી વિના યોજવી પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં આ વર્ષે 144મી રથયાત્રા યોજવાની છે. 14મી મે ના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા નિર્ધિરિત કરવામાં આવે છે જેને રથયાત્રાની તૈયારી કહી શકાય છે.

ગૃહ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ વખતે મે મહિનામાં કોરોના કેસોની સંખ્યા વધી છે અને અમદાવાદમાં સૌથી વધુ પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી ચંદનયાત્રા યોજવા પર નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. જો કે આ અંગે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંદિરના સૂત્રોએ કહ્યું હતું કે ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી. આ વખતે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સહિત ચાર થી પાંચ લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ વિધિમાં ભક્તો જોડાઇ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નિકળી શકી ન હતી. અત્યંત સાદાઇથી ઉજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, અખાડા અને ઝાંખી જોવા મળી ન હતી. માત્ર ત્રણ ટ્રક જ યાત્રામાં જોડાઇ હતી. જળયાત્રામાં પણ માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જોડાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code