- કડક SOPના પગલે એક પણ યાંત્રિક રાઈડ ધારકોએ ફોર્મ ન ભર્યા,
- કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો,
- ચંકડોળના સંચાલકોએ આજીજી કરી પણ કલેકટર મક્કમ રહ્યા
રાજકોટઃ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં લોકમેળાની મોસમ ખીલી ઊઠતી હોય છે. જેમાં સાતમ-આઠમના પર્વમાં તો ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટનો લોકમેળો સૌથી મોટો ગણાય છે. રાજકોટના રેસકોર્સ પર યોજાતા 5 દિવસના મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાને માણવા માટે ઉમટી પડતા હોય છે. આ લોક મેળામાં ચગડોળ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પણ આ વખતે ભાતીગળ લોકમેળો પ્રથમ વખત ચકડોળ વિના યોજાશે. કારણ કે રાજ્ય સરકારે લોકમેળા માટે કડક એસઓપી બનાવી છે. જેમાં ચગડોળ માટે એવા અટપટા નિયમો બનાવ્યા છે. તેથી રાઈડના સંચાલકોએ હરાજીમાં ભાગ લીધો નથી.
રાજકોટ શહેરમાં છેલ્લા 50 વર્ષથી જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો પ્રથમ વખત ચકડોળ વિના યોજાશે તે ફાઇનલ થઈ ગયું છે. દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં જ્યાં 15 લાખથી વધુ લોકો ઉમટી પડતા હોય છે, તે રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા પરંપરાગત મેળામાં રાજ્ય સરકારની કડક SOP વહીવટી તંત્ર દ્વારા લાગુ પાડવામાં આવી છે. જેમાં યાંત્રિક રાઈડ માટે રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને GST સાથેનુ રાઈડનુ બિલ માંગવામાં આવેલું હતું જેનો રાઈડ્સના સંચાલકોએ વિરોધ કરીને ફોર્મ નહીં ભરવાનો નિર્ણય લીધો હતો. ફોર્મ ભરવાની મુદ્દત પૂરી થઈ ગયા બાદ પણ 34 યાંત્રિક એટલે કે મોટી રાઈડ રાખવા માટે એક પણ ફોર્મ ભરાયું નથી. જેથી કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો છે. જેને કારણે અન્ય સ્ટોલ અને પ્લોટ ધારકો દ્વારા પણ ફોર્મ ભરવામાં નિરસતા દાખવવામાં આવી છે. જેને કારણે 238 સ્ટોલ – પ્લૉટ સામે માત્ર 28 ફોર્મ જ આવ્યા છે. જોકે આનાથી એ વાત ચોક્કસપણે સાબિત થઈ ગઈ છે કે સૌરાષ્ટ્રનું પોલિટિકલ હબ ગણાતા રાજકોટના નેતાઓને લોકો માટે યોજાતા મેળામાં કોઈ રસ નથી.
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, છેલ્લી તારીખ સુધીમાં લોકમેળામાં યાંત્રિક રાઈડ રાખવા માટે એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી. ત્રણ મુદ્દત આપ્યા બાદ પણ ફોર્મ ભરવામાં ન આવતા હવે યાંત્રિક રાઈડ ધારકોને ફોર્મ ભરવા દેવામાં નહીં આવે. જ્યારે યાંત્રિક રાઈડ વિના મેળો યોજવા માટે નવો લેઆઉટ નક્કી કરવામાં આવશે જે સોમવારે જાહેર કરવામાં આવશે. નવા લેઆઉટ બાદ ચકરડી, રમકડા, ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત મનોરંજનની પ્રવૃત્તિઓ માટેના કયા પ્રકારના સ્ટોલ રાખવા તે નક્કી કરવામાં આવશે.