દેશમાં ચાલુ વર્ષે 3.60 કરોડ કપાસની ગાંસડીનું ઉત્પાદન થવાની શકયતાઓ
દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કપાસનું બમ્પર ઉત્પાદન થાય છે. સમગ્ર દેશમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દરમિયાન નવા વર્ષમાં કપાસની ગાંસડીનું ઉત્પાદન વધીને 3.60 કરોડ થવાનો અંદાજ છે. જેથી ખેડૂતોને પણ કપાસના સારા નાણા મળવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર 1લી ઓકટોબરથી શરૂ થયેલી કપાસની નવી મોસમ 2021-22માં દેશમાં કપાસનું ઉત્પાદન 3.60 કરોડ ગાંસડી રહેવાનો કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પ્રાથમિક અંદાજ મૂકયો છે. પૂર્ણ થયેલી 2020-21ની મોસમ માટે મુકાયેલા 353 લાખ ગાંસડીના અંદાજની સરખામણીએ નવી મોસમનો પ્રાથમિક અંદાજ 7.13 લાખ ગાંસડી વધુ છે. એક ગાંસડી એટલે 170 કિ.ગ્રા. રૂ થાય છે. 30 સપ્ટેમ્બર 2022ના અંતે સમાપ્ત થનારી વર્તમાન મોસમમાં કપાસનો કુલ પૂરવઠો 170 કિલોની એક એવી 445.13 લાખ ગાંસડી રહેશે. મોસમના પ્રારંભમાં દેશમાં કપાસનો ઓપનિંગ સ્ટોક 75 લાખ ગાંસડી રહ્યો હતો. વર્તમાન મોસમમાં કપાસનો ઘરઆંગણે વપરાશ 335 લાખ ગાંસડી રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે. નિકાસ અંદાજ જે ગઈ મોસમમાં 78 લાખ ગાંસડી મુકાયો હતો તે વર્તમાન મોસમ માટે ઘટાડી 48 લાખ ગાંસડી મુકાયો છે. સમગ્ર દેશમાં કપાસનું સૌથી વધારે ગુજરાતમાં થાય છે. ભારતીય અર્થતંત્રમાં ગુજરાતમાં ઉત્પન થતા કપાસનો મહત્વનો હિસ્સો છે.