અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ વખતે 108 ઈમર્જન્સી સર્વિસને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 કેસોને પ્રતિસાદ અપાયો છે. જેમાં દિવાળી અને બેસતાવર્ષના દિવસે 21.46 ટકા ઈમર્જન્સીમાં નોંધાયેલા કેસોના વધારાને કોઈ પણ પ્રકારના અવરોધો વિના પાર પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત આજે ભાઈ બીજના દિવસે ઈમર્જન્સી કેસોમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં 108ને રોડ અકસ્માતના 1755 કોલ મળ્યાં છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારો દરમિયાન 108, ફાયરબ્રિગેડ, અને પોલીસ સહિત સેવાઓને વધુ એલર્ટ રહેવાનો આદેશ અપાયો હતો. જેમાં 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા પુરેપુરી તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી હતી. જેમાં પુરતો સ્ટાફ હાજર રાખવો, એમ્બ્યુલન્સોનું પહેલેથી જ મેન્ટેનેન્સ કરાવી અને પૂરતા સાધનો ઉપલબ્ધ કરાવ્યા અને તેના થકી સામાન્ય દિવસો કરતાં 21.46 ટકા નોંધાયેલા ઈમરજન્સીના વધારાને સારી રીતે પ્રતિસાદ આપી શકાયો હતો.ગત વર્ષ 2020ની સરખામણીએ દિવાળીના દિવસે અને 17.74 ટકાનો નૂતન વર્ષના દિવસે કુલ ઈમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈમરજન્સી કેસો 13.46 ટકા દિવાળીના દિવસે અને 4.82 ટકા નૂતન વર્ષના દિવસે નોંધાયા હતા. અનુમાનિત ઈમરજન્સી કેસો અને નોંધાયેલ ઈમરજન્સી કેસો વચ્ચેનો કુલ તફાવત -8.95 ટકા જેટલો રહ્યો છે. નોંધાયેલા ઈમરજન્સી કેસોમાં વધારા માટેનું કારણ રસ્તાઓ પર તહેવારના દિવસોમાં વધેલી લોકોની અવરજવરને માની શકાય કે જે રોડ અકસ્માત અને ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ વધારો નોંધાયેલ છે.
સૂત્રોએ ઉમેર્યું હતુંકે, રાજ્યમાં રોડ અકસ્માતના કેસોમાં દિવાળી દરમ્યાન 83.73 ટકા અને નૂતન વર્ષ દરમ્યાન 176.90 ટકાનો વધારો નોંધાયો હતો. કુલ 1055 જેટલા રોડ અકસ્માતના કેસો નવા વર્ષના દિવસે નોંધાયેલા કે જે એક દિવસમાં સૌથી વધારે હતા. દ્વિ ચક્રી વાહનોના અકસ્માતમાં દિવાળી પર 95.39 ટકા અને નૂતન વર્ષ ના દિવસે 202.48 ટકા જેટલો વધારો નોંધાયો હતો. ફોર વ્હીલર વાહનોના અકસ્માત ના કેસો માં 162.96 ટકા દિવાળીના દિવસે અને 229.63 ટકા જેટલો નૂતન વર્ષના દિવસે વધારો નોંધાયો હતો. આ બે દિવસ દરમિયાન કુલ નોંધાયેલા રોડ અકસ્માતના કેસોની સંખ્યા 1755 છે.