
ભારતીય સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર 3 આરોપીઓને કોર્ટે ફરમાવી આજીવન કેદની સજા
અમદાવાદઃ રાજ્યમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રથમવાર 3 આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચવાના આરોપસર પોલીસે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા.
કેસની હકીકત અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે વર્ષ 2012માં ચોક્કસ માહિતીની અનુસાર સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ ઉર્ફે સાકીર સાબીરભાઈ શેખ, નૌશાદ અલી મકસુદ અલી સૈયદ નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આરોપીઓ ભારતીય સુરક્ષા એજન્સીઓની જાસુસી કરીને પાકિસ્તાનને મોકલતા હોવાનું ખૂલ્યું હતું. રાજસ્થાનના નૌશાદએ જોધપુર સેના, બીએસએફ હેડક્વટર્સની માહિતી મોકલી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને મોકલી હોવાનું ખુલ્યું હતું. દેશ વિરોધી તત્વોએ આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નકશો પણ તૈયાર કર્યા હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી પાકિસ્તાન મોકલવા મામલે અંગે મોટી રકમ મળી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઈમબ્રાન્ચે તપાસ કરીને આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ કેસની સુનાવમી અમદાવાદની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા રજુ કરવાની સાથે સાક્ષીઓને તપાસ્યાં હતા. આ કેસમાં 75 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યાં હતા. સુનાવણીના અંતે અમદાવાદની ખાસ અદાલતે આરોપીઓને કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી.