Site icon Revoi.in

ખેડા જિલ્લા પંચાયત સહિત 73 નગરપાલિકાની ચૂંટણીની ટુંક સમયમાં જાહેરાત કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ટુંક સમયમાં જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને તમામ બેઠકોની મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખેડા જિલ્લા પંચાયત, 73 નગરપાલિકા, 92 તાલુકા પંચાયત અને જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીની એકાદ-બે સપ્તાહમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે બનાસકાંઠાનું વિભાજન કરાતા તેની ચૂંટણી હાલ યોજવામાં નહીં આવે એવું સૂત્રો કહી રહ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાની સામાન્ય તેમજ કેટલીક બેઠકો ઉપરની પેટા ચૂંટણી માટે યાદી જાહેર કરી છે. અલબત્ત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ મુદત પૂરી થતાં યોજવાની થતી હતી, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં અને થરાદ નવો જિલ્લો જાહેર કરતા અહીં ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી નથી. ગયા મહિને પંચે આ તમામ વિસ્તારોમાં મતદાતાની પ્રાથમિક યાદી જાહેર કરી હતી. હવે ગમે ત્યારે પંચ આ બેઠકોની ચૂંટણી જાહેર કરી શકે છે.

ખેડા જિલ્લા પંચાયત ઉપરાંત ગાંધીનગર તાલુકા પંચાયત ઉપરાંત ખાલી પડેલી અલગ અલગ જિલ્લા પંચાયતોની 9 બેઠકો, 92 તાલુકા પંચાયતની બેઠકો, 28 નગર પાલિકાઓની 72 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકો અને નગરપાલિકાઓની 24 બેઠકો પરની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગર પાલિકાની એક એક બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓબીસી અનામતની જોગવાઈને કારણે ઘણા સમયથી આ બેઠકો પર ચૂંટણીઓ ઠેલાતી રહી હતી, જો કે હવે ચૂંટણી પંચે બેઠકોની યાદી બહાર પાડી દીધા બાદ ચૂંટણીની તારીખનું એલાન થઈ શકે છે. હાલ નડિયાદ મહાનગર પાલિકા બની હોવાથી ત્યાં નગર પાલિકાની ચૂંટણી યોજાશે નહીં.