સુરેન્દ્રનગર, 15 જાન્યુઆરી 2026: ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરની ટીમે દોડી જઈને દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા જીનના કર્મચારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આગની જાણ થતાં જ ફાયર ફાઈટર દર્શનભાઈ પરમાર અને જયદીપસિંહ ઝાલા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કોટન જીન હોવાથી આગ ઝડપથી ફેલાવાની શક્યતા હતી, જેના કારણે આગ બુઝાવવાના પ્રયાસો પડકારજનક બન્યા હતા. ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. દોઢ કલાકના અથાગ પ્રયાસો બાદ આગને મોટાભાગે નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી.
આ આગની ઘટનામાં ગોડાઉનમાં સંગ્રહિત કોટન બળીને ખાક થઈ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગ ફરી ભભૂકી ન ઉઠે તે માટે ફાયર ફાઈટરની ટીમ હાલ પણ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

