Site icon Revoi.in

સુરતમાં નિધિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ દોઢ કલાકે કાબુમાં આવી

Social Share

સુરતઃ  શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ  આગ ઇલેક્ટ્રીક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે ત્રણ ફાયર સ્ટેશનની આઠ જેટલી ગાડીઓ દ્વારા દોઢ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના  લિંબાયત વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ સાડા પાંચ વાગ્યે માર્કેટના બેઝમેન્ટમાં વીજળીની મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગના ઘૂમાડા જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં જ ડુંભાલ, પુણા અને માનદરવાજા ફાયર સ્ટેશનની કુલ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ધુમાડો એટલો હતો કે, બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહી હોય, પણ અંદર ધુમાડો વધુ હતો.  ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી, પરંતુ આગ વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફ્ટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Exit mobile version