અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર ફૂટ ઓવરબ્રિજને જાન્યુઆરી માસમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. જેમાં આ ફૂટ ઓવર બ્રિજના સ્ટ્રક્ચરનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. તેમજ આ ફૂટ ઓવર બ્રિજ અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળોમાં પણ ઉમેરો કરશે.
શહેરના સાબરમતી નદી પરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે આકાર પામી રહેલો આ બ્રિજ હાલ તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ આ ફૂટ ઓવરબ્રિજને ડેકોરેટિવ થીમ સાથે બનાવવામાં આવી રહ્યો છે. આ 300 મીટરના આઈકોનિક બ્રિજના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બ્રિજના ફ્લોરિંગ, લાઈટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજ આગામી જાન્યુઆરીમાં તૈયાર થાય તેવી શક્યતા છે. આ બ્રિજ ઉપરથી નદી અને શહેરનો મનમોહક નજારો જોવા મળશે. જેના માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઊભી કરાશે. જેમાં ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
આ પ્રોજેક્ટને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ બોર્ડ દ્વારા 21 માર્ચ, 2018ના રોજ મંજૂર કરવામાં આવ્યો હતો અને તે સમયે રૂ. 74 કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું હતું. આ ફૂટ ઓવર બ્રિજને શહેરમાં યોજાતા પતંગ મહોત્સવની થીમ પર બનાવવાનું આયોજન છે. સાબરમતી નદી પર એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેનો આઇકોનિક બ્રિજ 300 મીટર લાંબો હશે અને તેની પહોળાઈ 10 મીટરથી 14 મીટરની વચ્ચે હશે.ફૂટ ઓવરબ્રિજને રિવરફ્રન્ટની બંને બાજુએ વોક-વેના બે લેવલ પર જોડવામાં આવશે. જેથી પુલ ઉપરના અને નીચેના બંને તરફ જવા માટે સુલભ હશે. આ ફૂટ ઓવર બ્રિજની ડિઝાઇન વિશેષ હોવાથી ખુબ જ પડકારજનક માનવામાં આવતી હતી.