Homeગુજરાતીગુજરાતગુજરાત ભાજપની સરકાર દ્વારા તા.18મીથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે

ગુજરાત ભાજપની સરકાર દ્વારા તા.18મીથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા લોકસંપર્ક વધારી દેવામાં આવ્યો છે. આગામી 18 થી 20 નવેમ્બર સુધી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રાજ્યના 33 જિલ્લાઓમાં 100 જેટલી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’  ભાજપ સરકાર દ્વારા યોજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળના તમામ સભ્યો આ યાત્રામાં જોડાશે. ગ્રામ યાત્રાનો પ્રારંભ 18મીએ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેમદાવાદથી કરાશે. આ યાત્રા દરમિયાન 500 કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં 23.835  જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ  9,503  જેટલા લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ યાત્રા દરમિયાન ભરપૂર પ્રચાર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામ વિકાસ વિભાગ સહિત 9 વિભાગને સાંકળતી ત્રણ દિવસની યાત્રામાં સમગ્ર મંત્રી મંડળ દ્વારા મહત્તમ લોકસંપર્ક કરવામાં આવશે. મંત્રીઓ સહિત સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાશે. ગ્રામ યાત્રા સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 દરમિયાન જે તે જિલ્લાના ગામડાઓમાં ફરીને સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરશે. જિલ્લા પંચાયતની  1090  બેઠક ઉપર 100 વિકાસ રથનું લોન્ચિંગ પણ કરવામાં આવશે અને 20મીએ તાલુકા કક્ષાએ ફરવામાં આવશે. આમ સતત ત્રણ દિવસ જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી ભાજપ સરકારની યોજનાઓની જાણકારી અને પ્રચાર કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પણ મહેમદાવાદ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહેશે. મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ, લોન-સહાયના ચેક વિતરણ કાર્યક્રમ, યોજનાકીય લાભોનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, વિવિધ પ્રકારના કેમ્પ વિગેરે પણ યોજીને નાગરિકોનો સીધો સંપર્ક કરાશે. તે સાથે સ્વચ્છતા રેલી, જાહેર સ્થળોની સફાઇ, ગ્રામ વિકાસ રથનો કાર્યક્રમ વિગેરે પણ યોજાશે. કેન્દ્ર સરકારની યોજનાઓ રાષ્ટ્રીય આજીવિકા મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા અને અન્ય વિભાગો આરોગ્ય, કૃષિ, મહિલા-બાળ વિકાસની યોજનાઓની જાણકારી અપાશે.

 

 

સંબંધિત લેખો

Most Popular