1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં રજિસ્ટર્ડ ગૌશાળાઓને પશુદીઠ રૂપિયા 30ની સહાય તાકિદે ચુકવવા સરકારે લીધો નિર્ણય
ગુજરાતમાં રજિસ્ટર્ડ ગૌશાળાઓને પશુદીઠ રૂપિયા 30ની સહાય તાકિદે ચુકવવા સરકારે લીધો નિર્ણય

ગુજરાતમાં રજિસ્ટર્ડ ગૌશાળાઓને પશુદીઠ રૂપિયા 30ની સહાય તાકિદે ચુકવવા સરકારે લીધો નિર્ણય

0
Social Share

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાંજરાપોળો-ગૌશાળાઓની હાલત દયનિય બની હતી. જેમાં બનાસકાંઠામાંથી પાંજરોપોળો અને ગૌશાળાઓને મદદ કરવા માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત સરકારે ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.30ની સહાય ગત તા.1લી એપ્રિલ-2022થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,  મુખ્યમંત્રીએ ગૌ માતા સંરક્ષણ માટે અંદાજપત્રમાં રૂ.500 કરોડની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. જેમાં રજીસ્ટર્ડ પાંજરાપોળોમાં 4.42 લાખથી વધુ પશુધન છે. તેઓને સહાયરૂપ થવા આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પાંજરાપોળોમાં ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂ.2 કરોડની સહાય અપાશે. જેમાં 14 એકર જમીન તથા 1૦૦૦થી વધુ પશુ નિભાવ હોય તેને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયને પરિણામે સાધુ-સંતો, પાંજરાપોળના સંચાલકો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, ચણા પકવતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ વખત ચણાની ટેકાના ભાવે બમ્પર ખરીદી પણ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને રૂ. 1481 કરોડની ચૂકવણી પણ કરી દેવાઈ છે. જરૂર પડે ટેકાના ભાવે વધુ ચણાની ખરીદી ખેડૂતોના હિતમાં કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના  મહેસૂલ વિભાગ દ્વારા 24 જેટલા જમીનોને લગતા ઈનામી કાયદાઓમાં નોધપાત્ર સુધારાઓ કર્યાં છે. જેના પરિણામે ખેડૂતોના નવી શરત અને જૂની શરતના મોટા ભાગના પ્રશ્નો હલ થયા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની આઝાદીના 75 વર્ષની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે હેઠળ દેશભરના તમામ જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનું કામ હાથ ધરાયું છે. એ ક્ષેત્રે પણ ગુજરાતમાં કામગીરી શરૂ કરી દેવાઇ છે. જે માટે સંબંધિતોને સત્વરે કામો પૂર્ણ કરવા સૂચનાઓ આપી દેવાઇ છે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ આગામી તા. 23મે થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગુજરાતનું ગૌરવસમા એશિયાટીક સિંહોના સંવર્ધન સંદર્ભે તથા ગિર અભયારણ્ય નેસમાં વસતા નાગરિકો, હોટલના માલિકો અને ખેડૂતો સાથે પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરશે. આ ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમિક્ષા બેઠક યોજશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભો સત્વરે નાગરિકોને મળતા થાય એ માટે તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને સ્થાનિક કક્ષાએ રિવ્યુ બેઠક કરીને કામો પૂર્ણ કરવા પણ સૂચના આપી છે.

પ્રવકતા મંત્રીએ સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યભરમાં આ કાર્યક્રમ અંતર્ગત 56 જેટલી સરકારી સેવાઓ ઘર બેઠાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુના આઠમા તબક્કાના બીજા રાઉન્ડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 4,57,222 અરજીઓ પૈકી 4,57,216 એટલે કે 99.58 ટકા અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે જયારે બાકી રહેતા લાભાર્થીઓને સત્વરે લાભ પૂરા પાડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code