
સરકારે “વ્યથા નહીં વ્યવસ્થા”ના કર્મમંત્ર સાથે કોરોના સામે જંગ છેડ્યો છે: મુખ્યપ્રધાન
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવા જન-અભિયાનનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો હતો. 11 હજાર કિટના પ્રથમ જથ્થાને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વ્યથા નહીં, વ્યવસ્થાના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ સાથે જનભાગીદારીને પ્રેરિત કરી કોરોના સંક્રમણ સામે જંગ છેડ્યો છે.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યપાલે પાયાના કોરોના વોરિયર્સની ચિંતા કરીને જનશક્તિના સામર્થ્યથી કોરોના સંક્રમણ સામેના જંગમાં જનતાને જોડી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તમામ પ્રકારના સંસાધાનો સાથે સંક્રમણના સામના માટે બહુઆયામી વ્યૂહ અપનાવ્યો છે. માર્ચ-2021માં ગુજરાતની હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા 42 હજાર હતી. જેમાં ગત એક માસમાં જ રાજ્ય સરકારે વધારો કરતા આ સંખ્યા 99 હજારે પહોંચી છે. એક મહિનામાં ઑક્સીજન સાથેના બેડની સંખ્યામાં વધારો કરી 57 હજાર બેડ ઉપલબ્ધ કરાવાયા છે. મુખ્યપ્રધાને 1-મે થી તબક્કાવાર શરૂ થઈ રહેલાં રસીકરણ કાર્યક્રમમાં ૧૮ થી ઉપરની વયના વધુને વધુ યુવા-નાગરિકો જોડાય, તેવી અપિલ પણ કરી હતી. કોરોના સામેના આ જંગમાં રસીકરણના શસ્ત્રથી વિજય મેળવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ આ પ્રસંગે “કોરોના સેવાયજ્ઞ”માં સહયોગ આપનારા દાનશ્રેષ્ઠીઓનું અભિવાદન કરતાં જણાવ્યું હતું કે, સ્વના કલ્યાણ માટે નહીં પરંતુ અન્યના ભલા માટે – પરમાર્થ માટે જીવન જીવે એ જ ખરા અર્થમાં મનુષ્ય છે. કોરોના સંક્રમણના કપરા કાળમાં દિવસ રાત એક કરી માનવ સેવાને જ પ્રભુ સેવા માની સંક્રમિતોની સેવા-સુશ્રુષા કરી રહેલાં એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી કીટ પહોંચાડવા આ જન અભિયાનથી પાયાના કોરોના વોરિયર્સને વિશ્વાસ મળશે કે સમાજ તેમની અને તેમના પરિવારજનોની ચિંતા કરી રહ્યો છે.