1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપના બફાટ કરતા નેતાઓ અને કાર્યકર્તાઓને વાણી પર સંયમ રાખવા હાઈકમાન્ડે આપી સુચના
ભાજપના બફાટ કરતા નેતાઓ અને કાર્યકર્તાઓને વાણી પર સંયમ રાખવા હાઈકમાન્ડે આપી સુચના

ભાજપના બફાટ કરતા નેતાઓ અને કાર્યકર્તાઓને વાણી પર સંયમ રાખવા હાઈકમાન્ડે આપી સુચના

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. અને ભાજપની ચૂંટણીલક્ષી તૌયારીઓ જોતા કદાચ ચૂંટણી વહેલા પણ યોજાઈ શકે છે. ભાજપના પ્રદેશ પ્રભારી હાલ ગુજરાતમાં છે. અને મંત્રીઓ અને કાર્યકર્તાઓને વધુને વધુ લોક સંપર્ક કરવાની સૂચના આપી રહ્યા છે. દરમિયાન ભાજપના કેટલાક નેતાઓના બીન જરૂરી વાણી વિલાસથી ભાજપનું હાઈકમાન્ડ પણ નારાજ બન્યું છે. અને કાયમ બફાટ કરીને વિવાદોમાં રહેતા આવા નેતાઓને વાણી વિલાસ પર સંયમ રાખવાની સ્પષ્ટ સુચનાઓ આપવામમાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સત્તા પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીથી વધુ ડર લાગી રહ્યો છે. એન્ટી-ઈન્કમ્બન્સી જગાવવા AAP અવનવા પ્રયોગો કરી રહી છે. હવે આની આડઅસર ભાજપના નેતાઓ કે પ્રજામાં ના પડે એ માટે ભાજપ હાઇકમાન્ડે ખાસ સૂચનાઓ આપી છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોને ઉપરથી ચૂપ રહેવાની સાથે સોશિયલ મીડિયામાં પણ સચેત રહેવાની સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે. તાજેતરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના બફાટથી આમ આદમી પાર્ટીને મુદ્દો મળી ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓ પોતાનાં ટ્વીટ અને ભાષણને ચોટદાર બનાવવાના ચક્કરમાં તેમની જીભ વારંવાર લપસી જાય છે. એને કારણે પક્ષને ડેમેજ થાય છે અને પછી કંટ્રોલ કરવું અઘરું થઈ પડે છે. હવે હાઈ કમાન્ડ દ્વારા ભાજપના આવા કેટલાક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમને બીન જરૂરી નિવેદનો ન કરવા અને સંયમ જાળવવા સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મામલે અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચોક્કસ ધારાધોરણ કહ્યા હતા. આમાં ફિટ ન બેસતા વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ નહીં આપવાનું કઠોર નિવેદન પાટીલે કરતા તો કરી દીધું, પણ પછી મોટો વિવાદ થયો. આ વિવાદને લીધે જ પાટીલે તાબડતોબ ફેરવી તોળવું પડ્યું. ભાજપને અંદરખાને ડર છે કે જ્ઞાતિનાં સમીકરણોના આધારે નેતા બનેલાને ઘેર તો બેસાડ્યા તો, આવા નેતાઓ પક્ષપલટો કરીને ભાજપને ઘેર બેસાડી શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો સાથે જંગી બહુમતી મેળવીને ભાજપ ફરી સત્તા પર આવવા માગે છે. આ માટે જ પક્ષના હાઇકમાન્ડે કઠોર નિર્ણય લઇને ગત સપ્ટેમ્બરમાં આખું રૂપાણી મંત્રીમંડળ બદલી નાખ્યું હતું. ભાજપના કેટલાક દિગ્ગજો કે જેઓ સમાજ અને જ્ઞાતિના જોરે પક્ષમાં પ્રેશર બનાવીને મંત્રી બની ગયા હતા તેમને ઘરભેગા કરી દેવાયા હતા, પરંતુ હવે આવા દિગ્ગજો ઘેરબેઠા ભાજપને ઘરભેગો કરવા ગોઠવણો કરી શકે એવાં ભયસ્થાનો પક્ષને દેખાય છે. આ માટે તેમની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવા ચોક્કસ વ્યક્તિઓને કામ સોંપાયું હોવાનું કહેવાય છે. ભાજપે છેલ્લાં આઠેક વર્ષમાં દેશભરમાં જે જોરદાર પ્રગતિ કરી છે એનો સૌથી વધુ જશ સોશિયલ મીડિયાને જાય છે. ટ્વિટર હેન્ડલ ઉપરાંત ફેસબુક પર ભાજપે જંગી સભ્યો બનાવ્યા છે. આ ઉપરાંત પક્ષની વિચારધારાને અનુરૂપ બાબતો પળવારમાં લાખો સોશિયલ મીડિયા યુઝર સુધી પહોંચી જાય છે, પરંતુ હવે AAP આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભાજપને મુશ્કેલીમાં મૂકી રહી છે, જેથી હવે ભાજપને જ સોશિયલ મીડિયાનો ડર લાગે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code