સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી
અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા તંત્ર તથા સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સાબરમતી નદીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગેરકાયદે રીતે હજુ સુધી નદીમાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની હાઈકોર્ટે નોંધ લીધી છે. આગામી 4 અઠવાડિયામાં નદીમાં પ્રદુષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવા કોર્ટે નિર્દેશ કર્યો હતો. તેમજ વધુ સુનાવણી તા. 17મી માર્ચ સુધી મુલત્વી રાખી છે.
કેસની હકીકત અનુસાર સાબરમતી નદીમાં ગેરકાયદે રીતે પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. દરમિયાન 17 જેટલા ગેરકાયદે કનેક્શન પીપળજમાંથી મળી આવતા તાત્કાલિક તેને કાપી નાખવામાં આવ્યાં હતા. સાબરમતીમાં ગેરકાયદે રીતે ટ્રીટ કર્યા વિના જ મેગાલાઇનમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠલવાતુ હતુ, જેથી કનેક્શન કપાયા છે. હજુ કેટલાક એકમો મેગાલી મારફતે ગંદુ પાણી છોડતુ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા 17 એકમો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ તંત્રને કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. હાઈકોર્ટમાં આ અરજી ઉપર તા. 17મી માર્ચના રોજ સુનાવણી યોજાશે.