Site icon Revoi.in

રાજકોટ-ભાવનગર અને ખીરસરા-લોધિકા વચ્ચે કરોડોના ખર્ચે બનાવાયેલો હાઈવે ધોવાઈ ગયો

Social Share

રાજકોટઃ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈવે મહિનાઓમાં જર્જરિત બની ગયા છે. રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે 5 મહિના પહેલા 24 કરોડના ખર્ચે બનાવેલો છે. આ હાઈવે પર વરસાદને લીધે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જ્યારે ખીરસરા-લોધિકા રોડનું કામ 19 જૂન 2025ના રોજ પૂરું થયું છે. રૂ.5.76 કરોડના ખર્ચે બનેલા આ રોડ પર પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. સામાન્ય વરસાદમાં રોડની હાલત જર્જરિત બની ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજકોટ શહેર અને જિલ્લાને જોડતા બન્ને મુખ્ય રોડ છે. ઠેર ઠેર ગાબડાં પડતાં રોજે રોજ નાના-મોટા અકસ્માતો થાય છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. મહિનાઓ પહેલા બનેલા રોડ ધોવાઈ ગયા હોવા છતાં માર્ગ અને મકાન વિભાગે એજન્સીને નોટિસ આપીને સંતોષ માની લીધો છે. ખીરસરા-લોધિકા રોડ બનાવનારી કંપની પણ જિલ્લા પંચાયતના એક સદસ્યના પરિવારની જ હોવાનો અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી મટિરિયલ્સના સેમ્પલ લેવાની માગણી ઊઠી છે. આ મુદ્દે તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખુંટે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ.

કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ખીરસરા-લોધિકા રોડ અને રાજકોટ-ભાવનગર હાઈવે પર જે ખાડા પડ્યા છે. તે બન્ને રોડની ફરિયાદો મળી છે. ખીરસરા-લોધિકા રોડનું કામ પટેલ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું છે. જોકે રોડ બન્યો એને ત્રણ મહિના જેટલો જ સમય થયો છે. એટલે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં રિપેરિંગ કરવાની જવાબદારી એજન્સીની જ આવશે. જ્યારે લોધિકા-ખીરસરા રોડ પર 8 જગ્યાએ ખાડા પડ્યા હોવાની ફરિયાદ આવી છે. જ્યારે રાજકોટ-ભાવનગર હાઈવે 44 કિમી નો છે. જેમાં 11 કિમી સુધી જ કામ થયું છે. જેનું કામ મધુરમ કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવ્યું છે.આ કેસમાં પણ કંપનીને રોડ રિપેરિંગ કરાવવાનો આદેશ કરતી નોટિસ અપાઈ છે.