
જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સર્વેની માંગ સાથે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી
લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં મસ્જિદના વજુખાનાના સર્વેની માંગણી કરવામાં આવી છે. અરજીમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને શિવલિંગને નુકશાન પહોંચાડ્યા વિના સર્વેનો નિર્દેશ કરવો જોઈએ. વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર જગ્યાને સીલ કરી દેવામાં આવ્યો છે. હિન્દુ પક્ષ વજુખાનાને કાશી વિશ્વનાથનું મૂળ શિવલિંગ માને છે.
અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, બાકીના પરિસરમાં એએસઆઈએ સર્વે કર્યો છે, માત્ર આ જગ્યા બાકી છે. જેથી હવે હિન્દુ પક્ષ તરફથી આ અરજી દાખલ કરીને સર્વેની માંગણી કરવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદનો સર્વેનો રિપોર્ટ તૈયાર થઈ ચુક્યો છે. વારાણસીની જિલ્લા અદાલતએ ગત સપ્તાહે આ રિપોર્ટ તમામ પક્ષકારોને સોંપવા નિર્દેશ કર્યો છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે, સર્વેનો રિપોર્ટ માત્ર પક્ષકારોને જ આપવો જોઈએ. આ સાર્વજનિક થવો જોઈએ નહીં. ગયા વર્ષે અદાલતના આદેશ બાદ 21 જુલાઈના એએસઆઈએ કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલા જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ તાજેતરમાં જ સામે આવ્યો છે.
હિન્દુ પક્ષે સર્વેના રિપોર્ટને લઈને દાવો કર્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ એક જુના મંદિરના અવશેષો પર કરવામાં આવ્યો છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનએ દાવો કર્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ 17મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ સમયે મુગલ બાદશાહ ઔરંગજેબનું શાસન હતુ અને તેણે અહીં એક જુના મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. વિષ્ણુ જૈને દાવો કર્યો હતો કે જ્યારે ASIની ટીમ મંદિરની અંદર સર્વે કરવા ગઈ ત્યારે તેમને તેની અંદરના ભોંયરામાં મૂર્તિઓના અવશેષો મળ્યા હતા. મસ્જિદના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયેલા સ્તંભો પહેલાથી અસ્તિત્વમાં રહેલા મંદિરના છે. તેમણે કહ્યું કે મસ્જિદની પાછળની દિવાલ મંદિરની દિવાલ છે.