1. Home
  2. ગુજરાતી
  3. યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો
યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

0
Social Share

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે તાત્કાલિક પગલાં ભરવા અને વ્યાપક સંવાદ શરૂ કરવા અપીલ કરી હતી.

ડેરેક ઓબ્રાયને વિવિધ સર્વેક્ષણોનો હવાલો આપતા જણાવ્યું હતું કે, આજના બાળકો અને યુવાનો દિવસના સરેરાશ 8 કલાક મોબાઈલ કે અન્ય ડિજિટલ સ્ક્રીન પાછળ વિતાવે છે. જો આ ગણતરી કરવામાં આવે તો વર્ષના 365 દિવસમાંથી 100 કરતાં વધુ દિવસો માત્ર સ્ક્રીન પાછળ વેડફાઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વના 68 દેશોએ તેની ગંભીરતા સમજીને શાળાઓમાં મોબાઈલ ફોન પર પહેલેથી જ પ્રતિબંધ લાદી દીધો છે.

આ સમસ્યાના જૈવિક પાસાને સમજાવતા તેમણે કહ્યું કે, સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ મગજમાં ‘ડોપામાઈન’નું સ્તર વધારે છે. આનાથી મગજને તરત જ ‘રિવોર્ડ સિગ્નલ’ મળે છે, જે ધીમે-ધીમે વર્તણૂકમાં ફેરફાર લાવીને ગંભીર ડિજિટલ વ્યસનનું રૂપ ધારણ કરે છે. વધુ પડતો સ્ક્રીન ટાઈમ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, ચિંતા વધારે છે અને મૂડમાં ઝડપથી ફેરફાર લાવવાનું મુખ્ય કારણ બને છે.

સાંસદે વ્યક્તિગત સ્તરે આ વ્યસનમાંથી મુક્તિ મેળવવા કેટલાક રસપ્રદ અને અસરકારક સૂચનો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે, ફોન ઉઠાવતા પહેલા પોતાને પૂછો કે ‘કેમ?’,ફોનને અડતા પહેલા 10 સુધી ગણતરી કરો. મોબાઈલ કે ગેજેટ્સને બીજા રૂમમાં ચાર્જિંગમાં મૂકો. સુતા પહેલા ઓછામાં ઓછા બે કલાક સ્ક્રીનથી દૂર રહો. તેમજ ‘સાઉન્ડ ઓફ સાયલન્સ’ એટલે કે દિવસનો એક નિશ્ચિત સમય નક્કી કરો જ્યારે ફોનનો બિલકુલ ઉપયોગ ન થાય.

ટીએમસી સાંસદે સરકારને વિનંતી કરી હતી કે, મોબાઈલના જરૂરિયાત મુજબના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નીતિ બનાવવામાં આવે. ઓફલાઈન પ્રવૃત્તિઓ અને રમતગમતને વેગ આપવા તેમજ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર ડિજિટલ એડિક્શનની અસરો અંગે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા માટે તેમણે ભાર મૂક્યો હતો. તેમણે અંતમાં ઉમેર્યું કે, જો આપણે અત્યારે નહીં જાગીએ તો આવનારી પેઢીનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ જશે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર હવે દર 15 દિવસે ઓઈલની કિંમતોની સમીક્ષા કરશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code