Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લોકોના પ્રશ્નોની સમીક્ષા કરાઈ

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી હતી. આ બેઠકમાં લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ અને કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. બેઠક દરમિયાન ધારાસભ્ય પી.કે.પરમારે નર્મદા કેનાલ સંબંધિત પ્રશ્ન રજૂ કર્યો હતો. આ અંગે કલેકટરે સંબંધિત અધિકારીઓને નિર્ધારિત સમયમાં પ્રશ્નનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પીજીવીસીએલ અને જેટકો વિભાગ દ્વારા જિલ્લામાં વીજ નેટવર્કની સ્થિતિ, પાવર સ્ટેશનો, ફીડરો અને વીજ કનેક્શન સહિતની કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે તમામ અમલીકરણ અધિકારીઓને નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો તાત્કાલિક અને સર્વોચ્ચ અગ્રતાના ધોરણે નિકાલ કરવા સૂચના આપી હતી. તેમણે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામેના કૃષિ રાહત પેકેજ પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં જિલ્લા કલેકટરે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી, જેથી કોઈ પાત્ર ખેડૂત સહાયથી વંચિત ન રહે. તેમણે વહીવટી તંત્રને ‘પ્રો-એક્ટિવ’ અભિગમ અપનાવી લોકોને અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

Exit mobile version