
દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડજીએ રાજ્યની સ્થિતિ અંગે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ બંગાળમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આગ સાથે નહીં રમવાની રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાહ આપી હતી.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે જણાવ્યું હતું કે, કાલે બનેલી ઘટનાઓ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના માટે મમતા બેનર્જીએ માફી માંગવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં અંદરના, બહારના જેવો ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. મમતા બેનર્જી આગ સાથે ન રમે.
તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા મુદ્દે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી છે. કાફલા પર હુમલા અંગે કાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની ટિપ્પણીઓ માટે માફી માંગવી જોઈએ. મેં કેન્દ્રને એક રિપોર્ટ મોકલ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા ઉપર થયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યાં છે. કેન્દ્ર સરકારે હુમલા સંદર્ભે બંગાળ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. બીજી તરફ આ હુમલો મનતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જ્યારે મનતા બેનર્જીએ હુમલાને નાટક ગણાવ્યું હતું. જે.પી.નડ્ડાના કાફલા ઉપર થયેલા હુમલા બાદ ભાજપ પણ ચિંતિત છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી આગામી દિવસોમાં બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે.