Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપના બે કરોડ સભ્ય બનાવવા આકરો ટાર્ગેટ અપાતા નેતાઓ નારાજ

Social Share

અમદાવાદઃ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી રહ્યા છે. ભાજપના દરેક નેતાઓને સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. જ્યારે ધારાસભ્યોને વ્યક્તિગત રીતે 5 હજાર અને મત વિસ્તારમાં 1 લાખ નવા સભ્યોની નોંધણીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.  આ ઉપરાંત ભાજપના જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો, તેમજ તાલુકા પંચાયતોના સભ્યો અને નગરપાલિકાના સભ્યોને પણ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવાનો ભાજપનો લક્ષ્યાંક હોવાથી નેતાઓને ગજા બહારનો ટાર્ગેટ અપાતા અસંતોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપે પોતાના નેતાઓને સદસ્યતા અભિયાન માટે મસમોટો ટાર્ગેટ આપ્યો છે. ભાજપના મોટામાં મોટા અને નાનામાં નાના નેતાને નવા સદસ્ય બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. ભાજપના નેતાઓને 200 થી લઈ 7 લાખ સુધીના ટાર્ગેટ અપાયા છે. ધારાસભ્ય, સાંસદો અને પદાધિકારીઓને ટાર્ગેટ અપાયા છે. સાંસદોએ પોતાના મત વિસ્તારમાં 7 લાખ, જ્યારે ધારાસભ્યોએ મત વિસ્તારમાં 1 લાખ સભ્યો બનાવવા પડશે. આ સિવાય સાંસદે વ્યક્તિગત રીતે 10,000 અને ધારાસભ્યએ વ્યક્તિ ગત રીતે 5000 સભ્યો બનાવવાના રહેશે.  ભાજપના સદસ્યતા અભિયાનથી પક્ષના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે. ત્યારે પ્રદેશમાંથી છૂટેલી સૂચના મુજબ, દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોએ ઓછામાં ઓછા 100 સભ્ય ફરજિયાત બનાવવાના છે. પક્ષના આદેશથી નેતાઓ વિમાસણમાં મુકાયા છે. ભાજપ પક્ષ માટે સદસ્યતા અભિયાનનો મુદ્દો પાર્ટીના નેતાઓમાં ફરી આંતરિક ખેંચતાણ લાવે તેવુ દેખાઈ રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4.80 કરોડની આસપાસ છે. તેથી ભાજપે વર્ષ 2027 ની ચૂંટણીઓ જીતવા માટે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 1.88 કરોડ મત મળ્યા હતા.