Site icon Revoi.in

લોકોની ધાર્મિક શ્રદ્ધાનો લાભ ઉઠાવીને છેતરતો મદારી ગેન્ગનો માસ્ટર માઈન્ડ પકડાયો

Social Share

અમદાવાદ,28 મે, 2026 : Madari gang accused of cheating people arrested લોકોની ધાર્મિક શ્રદ્ધાનો લાભ ઉઠાવીને આધ્યાત્મિક વિધિઓ અને ડરના નામે સોનાના દાગીના પડાવી લેતી કુખ્યાત ‘મદારી ગેંગ’ના માસ્ટરમાઇન્ડ શખસને અમદાવાદ સિટી પોલીસના ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે ઓળખ આપીને લોકોને ડરાવતો હતો. ગુજરાતભરમાં તેની સામે ઓછામાં ઓછા 5 ગુનાઓ નોંધાયેલા છે.

લોકોને આધ્યાત્મિક વિધિઓ અને ડરના નામે સોનાના દાગીના પડાવી લેતી કુખ્યાત ‘મદારી ગેંગ’ના માસ્ટરમાઇન્ડ સાવન નાથ ઉર્ફે ઋષિ સમજુનાથ ભાટી (ઉં.વ 21)ની નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના 2 વણઉકેલાયેલા ગુનાઓમાં ચોરાયેલા સોનાના દાગીના સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે સક્રિય હતો અને ગુજરાતભરમાં તેની સામે ઓછામાં ઓછા 5 ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઝોન-7 વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન LCB ટીમને એક મહત્વની બાતમી મળી હતી કે એક શખ્સે નરોડા વિસ્તારમાં એક મહિલા અને એક પુરુષને આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કરી, ડરાવી-ધમકાવીને તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લીધા છે અને ફરાર થઈ ગયો છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે નરોડાના છેતરપિંડીના કિસ્સાઓનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પકડાયેલો આરોપી જ ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે ઓળખાતો મુખ્ય ઠગ છે, જેની સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી જ ગુનાઓ નોંધાયેલા છે.

શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ નોંધાયેલા 2 ગુનાઓ ઉકેલાયા છે. આ સિવાય આરોપી અનેક પોલીસ સ્ટેશનોમાં પણ વોન્ટેડ હતો, જેમાં અમરેલી જિલ્લાના પીપવાવ પોલીસ સ્ટેશન, ગીર સોમનાથના ઊના પોલીસ સ્ટેશન, રાજકોટ રૂરલના જેતપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશન, સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.04 લાખની કુલ કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 2 સોનાની કાનની બુટ્ટી, 1 સોનાની હીરાજડિત વીંટી, 1 મોબાઈલ ફોન સામેલ છે.

 પોલીસની તપાસ મુજબ આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો જૂનો છે. અગાઉ તેની સામે વર્ષ 2015થી દહેગામ, રાણીપ, શહેરકોટડા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, લૂંટ અને હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Exit mobile version