- નર્મદા કેનાલમાં દૂષિત પાણીને લીધે રોગચાળાની ભીતિ
- સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતો હોવાનો આક્ષેપ
- કેનાલના કાંઠે બાવળો ઉગી નિકળ્યા
સુરેન્દ્રનગરઃ શહેરના દૂધરેજ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં લીલ જામતા અને કેનાલની આજુબાજુ જંગલી ઘાસ ઊગી નિકળતા તેમજ કેનાલમાં ઠલવાતા કચરાને કારણે પાણી દૂષિત થયુ છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે ત્રણ લાખથી વધુ જનતા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ધોળીધજા ડેમ છે. ધોળીધજા ડેમ નર્મદાની મુખ્ય કેનાલ દ્વારા ભરવામાં આવે છે, ત્યારે દૂષિત પાણી ડેમમાં જતું હોય કેનાલને ત્વરિત સાફસફાઈ કરવાની માગ ઊઠી છે.
સુરેન્દ્રનગરમાં દુધરેજ પાસેથી પસાર થતી આ કેનાલમાં ઠેર-ઠેર કચરો, ગંદકી, લીલ અને જંગલી ઘાસના થર જામ્યા છે. જો કોઈ વ્યક્તિ અકસ્માતે કેનાલમાં પડે, તો લીલ અને કચરામાં ફસાઈ જવાથી જીવ ગુમાવવાનો પણ ભય રહેલો છે. આ દૂષિત પાણી ડેમમાં થઈને લોકોના ઘરો સુધી પહોંચતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. દર વર્ષે કેનાલની જાળવણી અને સફાઈ માટે ત્રણ મહિના સુધી પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવે છે, તેમ છતાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. કેનાલના કાંઠે ઉગી નીકળેલા બાવળો અને પાણીમાં તરતી ગંદકી તંત્રની નિષ્ક્રિયતાની સાક્ષી પૂરે છે. તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવાને બદલે જો તાત્કાલિક ધોરણે કેનાલની યોગ્ય સફાઈ કરવામાં નહીં આવે, તો લોકોનું આરોગ્ય જોખમાશે. હાલમાં જાગૃત નાગરિકો દ્વારા નર્મદા વિભાગ પાસે યુદ્ધના ધોરણે સફાઈની માંગ કરવામાં આવી છે.

