
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં ખુબ ઓછુ પાણી ઉપલબ્ધ છે જેથી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિકટ પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યકત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત 13 જિલ્લાનાᅠડેમના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છના 20 ડેમમાં 14.21 ટકા જેટલુ વાપરવા લાયક પાણી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 9.48 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.03 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 59.12 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં લગભગ 37.03 ટકા જ પાણીનો જથ્થો હોવાનું જાણવા મળે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં પાણી ઓછુ હોવાથી આગામી દિવસોમાં બંને વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સાબરકાંઠામાં માત્ર 5.65 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે મહેસાણાની હાલત પણ ખરાબ હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં ચોમાસુ વિધિવત રીતે 16મી જુનના રોજ બેસે છે. એટલે કે જૂન અંતિમ સુધી જળાશયોમાં નવા પાણીની આવકની શકયતાઓ નહીંવત છે બીજી તરફ હાલ ઉનાળાની આકરી ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(Photo-File)