ગુજરાતને ‘ડ્રગ્સ મુક્ત’ કરવા વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચનાની પ્રક્રિયા પૂરજોશમાં!
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોની હેરાફેરીને જડમૂળથી ડામી દેવા માટે એક વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચનાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મળેલી કુલ અરજીઓ પૈકી 63 પોલીસ જવાનને આ નવા ટાસ્ક ફોર્સમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. આ જવાનોની આખરી પસંદગી બાદ ટાસ્ક ફોર્સને સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવશે. અહેવાલ મુજબ, શોર્ટલિસ્ટ કરાયેલા આ જવાનોના ઇન્ટરવ્યૂ 10મી ડિસેમ્બરના રોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
આ ટાસ્ક ફોર્સનું મુખ્ય ધ્યેય ડ્રગ્સ સહિત તમામ પ્રકારના માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ પર અંકુશ મેળવીને ગુજરાતને ‘ડ્રગ્સ મુક્ત’ બનાવવાનું રહેશે. સરકાર માને છે કે આ વિશેષ ફોર્સની રચનાથી રાજ્યમાં ફેલાયેલા નશાના નેટવર્કને તોડવામાં અને યુવાનોને તેનાથી બચાવવામાં વધુ અસરકારક રીતે મદદ મળશે. આ ANTF રાજ્યની પોલીસ ટીમો સાથે સંકલનમાં રહીને ડ્રગ્સ વિરુદ્ધની લડાઈને વધુ સંગઠિત બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નશાના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ડ્રગ્સના રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક ખબરીઓને પણ સાબદા કરી દેવામાં આવ્યાં છે.


