સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને અનુસરીને સંસ્થા ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રશિક્ષિત બહેનો માટે આત્મનિર્ભરતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે. દેશમાં રહેલી અસંખ્ય કળાઓ, સંસ્કૃતિઓ અને હસ્તકળાઓનું મૂલ્ય આપણે જ ઓળખી તેમને ગૌરવ આપવું એ આપણા સૌની ફરજ છે. હેન્ડીક્રાફ્ટસ વડે સ્વદેશી ઉત્પાદનો ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવે છે અને દરેક નાગરિકમાં ‘મેઇડ ઇન ઈન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ની ભાવના જગાવે છે.
પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે કહ્યું હતું કે, અમી હેન્ડીક્રાફ્ટસ બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત કાર્યરત છે. જરી-જરદોશીની પરંપરાગત કળા આધુનિક બજાર સાથે જોડાઈ રહી છે અને બહેનો પોતાની કળા દ્વારા જીવનની નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે. આધુનિક બજારની જરૂરિયાતો મુજબ સુરતની ઓળખ એવી જરી-જરદોશી કળા થકી ઉત્તમ અને વૈવિધ્યસભર ઉત્પાદનો લોકપ્રિય બની રહ્યા છે. બહેનો દ્વારા હસ્તનિર્મિત જરી-જરદોશીના ઉત્પાદનોને જનસામાન્ય સુધી પહોંચાડીને મહિલાઓની આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ છે. વોકલ ફોર લોકલ અને ઘર ઘર સ્વદેશી અભિયાનમાં જોડાઈ સુરતની જરી જરદોશીની પરંપરાગત કળાને જાળવવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય જળશક્તિમંત્રીના હસ્તે તાલીમ પૂર્ણ કરીને સરકાર માન્યતા પ્રાપ્ત આર્ટિઝન તરીકે રજિસ્ટર થયેલ બહેનોને આર્ટીઝન કાર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ બહેનોએ જરી જરદોશીમાંથી પ્રથમ વખત GI ટેગ સાથેની ફ્રેમ, બોક્સ, જ્વેલરી બોક્સ, ટ્રે, પર્સ, શૂઝ, ભગવાનના વાઘા જેવી વિવિધ ચીજવસ્તુઓ માટે બનાવટ અને માર્કેટિંગની તાલીમ મેળવી છે.