1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીમાં HPPના ડિગ્રી-ડિપ્લોમાના સર્ટી પર હવે રજિસ્ટ્રારની સહી ફરજિયાત,

ગુજરાત યુનિવર્સિટીમાં HPPના ડિગ્રી-ડિપ્લોમાના સર્ટી પર હવે રજિસ્ટ્રારની સહી ફરજિયાત,

0
Social Share

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના HPPના ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પરીક્ષા ઉતિર્ણ કર્યા બાદ જે તે વિભાગના કોર્ડિનેટર દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. હવે આવા સર્ટિફિકેટ રજિસ્ટ્રારની સહી સાથે પરીક્ષા વિભાદ દ્વારા આપવામાં આવશે. આમ હવે HPP કોર્ષ પર યુનિવર્સિટીનું નિયંત્રણ રહેશે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ નહીં કરી શકે. તેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઘણાબધા ખાનગી અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. હવે આવા અભ્યાસક્રમોમાં પારદર્શિતા લાવવા માટે યુનિવર્સિટી દ્વારા નિયમો બનાવીને તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. HPP એટલે કે હાયર પેમેન્ટ પ્રોગ્રામ, ગુજરાત યુનિવર્સિટીમાં આવા આશરે 40થી 50 જેટલા કોર્ષ ચાલે છે. આ કોર્ષની ફી સામાન્ય ફી કરતા પ્રમાણમાં થોડી વધારે હોય છે. આ કોર્ષમાં ડિપ્લોમા અને ડીગ્રી કોર્ષના સર્ટિફિકેટ જે તે વિભાગના કોર્ડીનેટર તથા નોલેજ પાર્ટનર તરફથી આપવામાં આવતા હતા, જેના પર હવે રોક લગાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનેક પ્રકારના HPP કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં કેટલીક ખાનગી સંસ્થાઓને નોલેજ પાર્ટનર તરીકે રાખીને અનેક કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. આ કોર્ષની ફી યુનિવર્સિટીની ફી કરતા વધારે હોય છે. આ કોર્ષના કારણે ગુજરાત યુનિવર્સિટી તેમજ ખાનગી સંસ્થાઓને આવક થતી હતી. હવે આ કોર્ષ અને કોર્ષ થકી થતા આર્થિક ફાયદા પર ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની સીધી નજર રહેશે. અનેક HPP કોર્ષમાં અભ્યાસ કરાવવા એક્સપર્ટની મદદ લેવાતી હતી, આ એક્સપર્ટને રૂપિયા પણ ચૂકવવામાં આવતા હતા, જેની પર પણ હવે લગામ લાગશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી HPP કોર્ષ માટે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ પોતે જ અધ્યાપકની નિમણૂક કરશે. જેને POP નામ અપાશે એટલે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ. ગુજરાત યુનિવર્સિટીના આ પ્રયાસથી મોટો ખર્ચ બચી શકશે અને યુનિવર્સિટીને આર્થિક લાભ થશે. ગુજરાત યુનિવર્સિટીના નેજા હેઠળ ચાલતા HPP કોર્ષ પેટે થતી આવકના હિસ્સામાં 70 ટકા નોલેજ પાર્ટનર તો માત્ર 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને મળતો હતો. નોલેજ પાર્ટનરને મળતા 70 ટકા રકમના થતા ખર્ચ પર પણ ગુજરાત યુનિવર્સિટી હવે  નજર રાખશે. HPP કોર્ષ હેઠળ આડેધડ MoU પણ ગુજરાત યુનિવર્સિટી નહીં કરી શકે. આ MoU પાછળ મોટો ખર્ચ થતો હોવાનું ધ્યાને આવ્યું છે. HPP કોર્ષ માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ કહ્યું હતું કે, 45થી 50 જેટલા કોર્ષ ગુજરાત યુનિવર્સિટીમાં HPP અંતર્ગત ચાલે છે. ડિપ્લોમા અને ડિગ્રી કોર્ષના સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર તથા નોલેજ પાર્ટનર તરફથી આપવામાં આવતા હતા, જેના પર રોક લગાવી છે. હવે સેન્ટ્રલ એક્ઝામની પદ્ધતિ મુજબ અમે HPP અંતર્ગત કોર્ષ ચલાવીશું. ડિગ્રી સર્ટિફિકેટ હોય કે ડિપ્લોમા સર્ટિફિકેટ ગુજરાત યુનિવર્સિટીના નામથી જ જાહેર થતા હતા પરંતુ તેમાં કોર્ષના કો-ઓર્ડીનેટર તથા નોલેજ પાર્ટનરની સહી થતી હતી. તેના પર રજિસ્ટ્રારની સહી થતી નહોતી. ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત HPP કોર્ષનો અભ્યાસ થતો હોવાથી બ્રાન્ડિંગ યુનિવર્સિટીનું થતું હતું તો કેમ રજિસ્ટ્રારની સહી ન હોય એ સવાલ પણ હતો. હવે રજિસ્ટ્રારના હસ્તાક્ષર સાથે જ HPP કોર્ષના સર્ટિફિકેટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈશ્યુ થશે. જે HPP કોર્ષમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે, તેવા કોર્ષ મર્જ કર્યા છે. 10 જેટલા વિદ્યાર્થીઓ હોય તેવા કોર્ષ મર્જ કરી ભવિષ્યમાં ના ચલાવવા સહમતી સાધવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code