1. Home
  2. ગુજરાતી
  3. BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા વિધિનું દ્વિતીય ચરણ સંપન્ન થયું
BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા વિધિનું દ્વિતીય ચરણ સંપન્ન થયું

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા વિધિનું દ્વિતીય ચરણ સંપન્ન થયું

0
Social Share

ન્યુજર્સીઃ તા 4 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે  સનાતન ધર્મના પૂજનીય સ્વરૂપો – ભગવાન શ્રી રામ, સીતાજી, હનુમાનજી, લક્ષ્મણજી, ભગવાન શ્રી શિવ, પાર્વતીજી, ગણેશજી, કાર્તિકેયજી, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી,ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીની સાથે BAPS ની આધ્યાત્મિક ગુરૂપરંપરાના ગુરુવર્યોની મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગોવિંદદેવ ગીરીજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું, “શાશ્વત કાળ માટે રચાયેલું આ સ્થાન એક દીવાદાંડી સમાન છે. મંદિર શું છે? મંદિર એવી દીવાદાંડી છે, જે અનંતકાળ સુધી પ્રકાશ આપે છે. આ મંદિર પેઢીઓ સુધી જ્ઞાનના અજવાળા પાથરશે. આ માનવતાનું મંદિર છે, શ્રદ્ધાનું, વૈશ્વિક પ્રેમ અને ભાઇચારાનું મંદિર છે.” 

ઉત્તર અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિર, ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવતું, હિન્દુ વારસાના જતન અને તેના પ્રસારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.   

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ’ સંદેશને ધ્વનિત કરતો અને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને પ્રસારિત કરતાં અક્ષરધામમાં વિશિષ્ટ સંધ્યા કાર્યક્રમમાં ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી, બૌધ્ધ અને હિન્દુ ધર્મના 20 જેટલાં ધર્મગુરુઓ અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ‘આંતરધર્મીય સંવાદિતા દિન’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPS સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેઓના સંબોધનમાં જણાવ્યું, “અમે માનીએ છીએ કે ધર્મનો સાર સંવાદિતા છે. હિન્દુ સનાતન ધર્મનો આ મૂળભૂત સિદ્ધાંત છે… આપણે અલગ પીંછા અને ઉડાન ધરાવતાં પક્ષીઓ જેવા છીએ, જેમનો માળો એક છે, એટલે કે અંતે તો આપણે સૌ આ એક પૃથ્વીના નિવાસીઓ છે. પૃથ્વી આપણું આધ્યાત્મિક નિવાસસ્થાન છે.”

નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ બિશપ ડેરિન મૂરે જણાવ્યું, “આજે આપણે ખરેખર એક પવિત્ર ભૂમિ પર એકત્ર થયા છીએ. આ સ્મારકમાં પ્રત્યેક બાબત, જે ઊંડાણ દ્વારા રજૂ કરવામાં આવી છે, તે અભૂતપૂર્વ છે. આ સ્થાનને આટલું પ્રભાવક બનાવવા માટે સૌથી વધુ જો કોઈ કારણભૂત હોય તો તે છે, અહીં સમર્પિત થઈ ગયેલા લોકો.”

એરિયા સેવન્ટી, ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સના એલ્ડર ડેવિડ બકનરે જણાવ્યું, “જ્યારે હું આ સુંદર સ્થાનમાં પ્રવેશ્યો અને શિખર તરફ જોયું , ત્યારે મને સમજાવવામાં આવ્યું કે આ અલંકૃત સ્થાપત્યનો શું અર્થ અને મહત્વ છે. અહીં આ કલાકૃતિના સર્જનમાં ધરબાયેલા પુરુષાર્થને  નિરખતાં અનેરા પ્રકાશની અનુભૂતિ થાય છે. મને લાગ્યું કે હું જાણે સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરી રહ્યો છું. હું એવી અનુભૂતિ કરી રહ્યો હતો, જે એક મંદિરમાંથી થવી જોઈએ. મંદિરે લોકોને ભગવાન સન્મુખ કરવા જોઈએ. ભગવાનને જોવામાં મદદ કરવી જોઈએ.”   

BAPS સંસ્થાના આધ્યાત્મિક અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, “આપણે એક આકાશ નીચે અને એક ધરતી પર રહી છીએ, એક હવામાં શ્વાસ લઈએ છીએ…આપણે સૌ ભગવાનના સંતાનો છીએ. અક્ષરધામનો આ સંદેશ છે.”

સમગ્ર કાર્યક્રમમાં પ્રાર્થના, પ્રેરણાદાયી વક્તવ્યો અને સાંસ્કૃતિક આદાન પ્રદાન દ્વારા અનેકવિધ ધર્મો વચ્ચે સેતુરૂપ એવા મૂલ્યો, નૈતિકતા અને સિદ્ધાંતો વિષયક પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. અક્ષરધામનું ભવ્ય સ્થાપત્ય અને પ્રશાંત આધ્યાત્મિક ઉર્જાસભર વાતાવરણ વિવિધતાસભર અસંખ્ય લોકોને પરસ્પર આદર અને સમજણનો સંદેશો આપે છે. આજના આ કાર્યક્રમનો સાર હતો – પરસ્પર આદર, કરુણા અને સમજણ દ્વારા આપણે સંવાદિતા અને એકતા સ્થાપી શકીએ છીએ. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code