તાલિબાન સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં ચેસ જુગારનો સ્ત્રોત હોવાની ચિંતાને કારણે આગામી સૂચના સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રમતગમત અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, આ સરકારના નૈતિકતા કાયદા હેઠળ ગેરકાયદે છે.
2021માં સત્તા કબજે કર્યા પછી તાલિબાન સરકારે સતત એવા કાયદા અને નિયમો લાદ્યા છે જે ઇસ્લામિક કાયદાના તેના કઠોર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
રમતગમત નિર્દેશાલયના પ્રવક્તા અટલ મશવાનીએ કહ્યું હતું કે, “શરિયા (ઇસ્લામિક કાયદા)માં ચેસને જુગારનું એક સાધન માનવામાં આવે છે, જે ગયા વર્ષે જાહેર કરાયેલા કાયદા અનુસાર પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે, “ચેસની રમત અંગે ધાર્મિક વિચારણાઓ છે, જ્યાં સુધી આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે ત્યાં સુધી, અફઘાનિસ્તાનમાં ચેસની રમત સ્થગિત રહેશે.”
મશવાનીએ વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય ચેસ ફેડરેશને લગભગ બે વર્ષથી કોઈ સત્તાવાર કાર્યક્રમ યોજ્યો નથી અને “નેતૃત્વ સ્તર પર કેટલીક સમસ્યાઓ રહેલી છે.”