
અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે તે માટે શિક્ષકે શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ
અમદાવાદઃ ” શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ” આ વાક્યને ખરા અર્થમાં મદદનીશ શિક્ષક વિશાલભાઇ પારેખએ સાબિત કર્યું છે. કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓને ઘરે બેસીને ઓનલાઇન જ અભ્યાસ કરવો પડે છે. જેમાં પછાત અને ગરીબ બાળકો પાસે નથી સ્માર્ટફોન હોતા, કે નથી તેમના ઘરે ટી.વી હોતા. ત્યારે આવી સુવિધા ન હોવાથી શિક્ષણ વિભાગ દ્રારા ટીવી પર રજુ કરાતા શૈક્ષણિક કાર્યક્રમ જોઇ શકતા નથી. ગામડાની ગરીબ પરિવાર પાસે ટીવીનો અભાવ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જતા હોવાની જાણ મહેમદાવાદ તાલુકાના છાપરાના શિક્ષક વિશાલભાઇ પારેખને ધ્યાનમાં આવી હતી. આથી તેમણે ગ્રામ્ય ક્ષેત્રના વિધાર્થીઓ પણ સારૂ અને સમયસર શિક્ષણ મેળવી અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને તે માટે તેઓશ્રીએ અલગ-અલગ જગ્યા પરથી સ્વખર્ચે ટીવી એકત્રીકરણ કરી વિધાર્થીઓમાં વિતરણ કરી શિક્ષક તરીકેનુ અનોખુ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
મદદનીશ શિક્ષક વિશાલભાઈએ જણાવ્યું હતું કે, છાપરા ગામની પ્રાથમિક શાળામાં ભણતા ઘણા બાળકોના ઘરે ટી.વી ન હોવાથી તેઓ આ શિક્ષણ કેવી રીતે મેળવશે તેવો વિચાર મારા મનમાં આવ્યો હતો. મને એમ થયું કે મારા ગામના અને મારી શાળાના બાળકો, કે જેમની પાસે ટીવી નથી તેઓ કઈ રીતે ભણશે? મારા મનમાં મે નક્કી કરી લીધું હતું કે, હું મારી શાળાના બાળકોનું શિક્ષણ બગડવા નહીં દઉં. સૌપ્રથમ ટીવીનું દાન મારા મિત્ર અને દાતા એવા ગૌતમભાઈ તરફથી આપવામાં આવ્યું. ત્યારબાદ ડીશ કનેક્શન મારુ પોતાનું આપીને ગામમાં પહેલું ટીવી મૂકી દીધું હતું. ત્યારબાદ આ વાત મે મારા મિત્રો તથા અન્ય દાતાઓને કરી હતી. બધા તરફથી મને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને આ સેવાકાર્ય આગળ વધ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણમાં ગામડાઓના બાળકો પાછળ ન રહે તેવા આશયથી આ એક પહેલ કરવામાં આવી છે. બાળકોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સમાજનો સાથ સહકાર લેવાના પ્રયત્નો થકી વર્તમાન મહામારીના સમયને ધ્યાનમાં રાખીને બાળકો શિક્ષણથી સતત જોડાયેલા રહે તે માટે હોમ લર્નિંગને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે બાળકોને ટીવી, ડીશ એન્ટેના, સ્માર્ટફોન, લેપટોપ વગેરે સામગ્રી દાન થકી પૂરી પાડીને ગુજરાતી ભાષા ઉપરાંત બાળકોમાં શિક્ષણ પ્રત્યે કોઈ પ્રકારનો અંતર ન વધે તે માટે પ્રયત્નો કરેલા છે. પ્રાથમિક તબક્કે ૧૦ ટીવીના ટાર્ગેટ સાથે શરૂઆત કરી હતી. હાલ ૧૧૧ ટીવી જરૂરિયાતમંદ બાળકોને દાનના માધ્યમથી પૂરા પાડવામાં આવ્યા છે.