1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વલસાડના અંતરિયાળ 174 ગામના 4.50 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
વલસાડના અંતરિયાળ 174 ગામના 4.50 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

વલસાડના અંતરિયાળ 174 ગામના 4.50 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

0

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એ અમારા માટે એક મોટો પડકાર હતો અમારા એન્જિનિયર્સે આ તમામ પડકારોનો સામનો કરીને આ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે. વડાપ્રધાન દ્વારા તેના ઉદ્ઘાટન પછી ધરમપુર અને કપરાડા વિસ્તારના 174 ગામડાઓમાં રહેતા 4.50 લાખ લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઇ જવાનું છે.”

આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં ન તો વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ન તો ભૂગર્ભજળની પરિસ્થિતિ સારી છે, અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષાઋતુના સમયમાં અહીંના જળાશયોમાં પાણી તો ભરાઈ જાય છે, પરંતુ તે પાણી જમીનની અંદર નથી ઉતરી શકતું. તેના કારણે વર્ષાઋતુના થોડાક સમય પછી જ અહીંના જળાશયો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. વર્ષ 2018માં રૂ.586.16 કરોડના ખર્ચે આ પહાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી દરરોજ પીવાનું પાણી પહોંચે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે એસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરી.

અહીંની જમીનની રચના અનુસાર જ અહીંયા પાઇપલાઇન બિછાવવામાં આવી છે, જે ક્યાંક ઊંચી છે તો ક્યાંક નીચી છે. આ કારણે આ પાઇપોમાં કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય છે, તો કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય કરતા ઘણું વધારે (40 પ્રતિ કિગ્રા સેન્ટિમીટર સ્કૉયર) છે. આ દબાણ એટલું વધારે છે કે તેનાથી પાઇપલાઇનોને ઘણું નુકસાન પહોંચી શકે છે. આ તમામ મુશ્કેલીઓના સમાધાન તરીકે મુખ્ય પાઇપની અંદર 12 મિલિમીટર જાડાઈની માઇલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી મુખ્ય પાઇપને ફાટવાથી બચાવી શકાય. મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ પહેલા આ બંધનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવતો હતો. જોકે, પીવાના પાણીની સાથે-સાથે આ બંધના પાણીનો પહેલાની જેમ જ સિંચાઇ માટે પણ ઉપયોગ કરવાનું ચાલુ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code