ગાંધીનગર, 15 ઓગસ્ટઃ અમરેલી ખાતે રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો લહેરાવીને ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી. આ ભવ્ય સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આકર્ષક પોલીસ પરેડ, રોમાંચક અશ્વ શો, ડોગ શો અને સાહસિક બુલેટ શો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત જનમેદનીએ ભારે વધાવી લીધી હતી.
‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રી
રાજ્યવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના મજબૂત નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. તેમણે આધ્યાત્મિકતા અને આધુનિકતાના અદભુત સમન્વય પર ભાર મૂકતા મહિલા સશક્તિકરણ, યુવા સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ જાળવણી તેમજ ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી.
ગરીબો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ જાહેરાતો
લોકકલ્યાણના ભાગરૂપે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ૧૬ લાખ પરિવારોને અગાઉ આવાસ મળી ચૂક્યા છે, અને હવે ગ્રામીણ ગરીબી રેખા નીચે જીવતા (BPL) પરિવારો માટે સરકાર જરૂર પડ્યે ખાનગી જમીન ખરીદીને પણ મફત પ્લોટ ફાળવશે. આ ઉપરાંત, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા રાજ્યના પ્રતિભાશાળી યુવાનોને તમામ જરૂરી સહયોગ પૂરો પાડવાની ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી હતી.
- હર્ષ સંઘવીએ સરદાર પટેલના અપ્રતિમ યોગદાનને કર્યા યાદ
વડોદરા: વડોદરા ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વના સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહભાગી થઈને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે ઉપસ્થિત નાગરિકોને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ગુજરાતની ધરતીના મહાન ક્રાંતિવીરોને યાદ કરી ભાવભીના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ
સરદાર પટેલના ભગીરથ અને ઐતિહાસિક કાર્યને યાદ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબે માત્ર ૧૮ મહિનાના ટૂંકા સમયગાળામાં ૫૬૦થી વધુ દેશી રજવાડાઓનું સફળ એકીકરણ કરીને અખંડ ભારતની રચના કરી હતી. તેમણે ભાવનાત્મક રજૂઆત કરતા ઉમેર્યું હતું કે, જો સરદાર સાહેબે આ અખંડ ભારતનું નિર્માણ ન કર્યું હોત, તો આજે દેશવાસીઓએ અયોધ્યામાં રામ મંદિરના દર્શને જવા કે કાશ્મીરની મુલાકાતે જવા માટે પણ પાસપોર્ટ અને વિઝા લેવાની જરૂર પડી હોત.

